Fri Sep 04 2026

Logo

બેસ્ટના 14 અધિકારીઓને બઢતી આપતા વિવાદ: ખોટ વચ્ચે પ્રમોશન આપતા નિવૃત્ત કર્મચારીઓમાં રોષ

2026-05-28 21:35:59
Author: Mumbai Samachar Team
બેસ્ટના 14 અધિકારીઓને બઢતી આપતા વિવાદ: ખોટ વચ્ચે પ્રમોશન આપતા નિવૃત્ત કર્મચારીઓમાં રોષ

મુંબઈ: બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ ) ઉપક્રમે 14થી વધુ અધિકારીઓ માટે બઢતીના આદેશ જારી કર્યા છે. 'બેસ્ટ' ઉપક્રમ ખોટમાં ચાલી રહ્યો છે એ પરિસ્થિતિમાં 'બેસ્ટ' નિવૃત્ત કામદાર સંઘર્ષ સમિતિએ બઢતીનો વિરોધ કર્યો છે. આ વિરોધને ઘોળીને પી જઈ વધુ 14 અધિકારીને આપવામાં આવેલી બઢતી અંગે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

ખોટનો ધંધો ચાલી રહ્યો છે ત્યારે બેસ્ટમાં અધિકારીઓને બઢતી આપવામાં આવી રહી છે. એક તરફ નિવૃત્ત કર્મચારીઓના બાકી પગાર ચૂકવવા માટે 'બેસ્ટ' પાસે ભંડોળ નથી ત્યારે નિવૃત્તિ માટે દસ દિવસઅથવા એક મહિનો બાકી છે ત્યારે વરિષ્ઠ અધિકારીઓને બઢતી આપવામાં આવી રહી છે. 

બેસ્ટ નિવૃત્ત કામદાર સંઘર્ષ સમિતિએ આ સામે વાંધો ઉઠાવી ચેતવણી આપી છે કે જ્યાં સુધી બેસ્ટ નિવૃત્ત કામદારોના બાકી પગાર ચૂકવશે નહીં અને બેસ્ટ ઉપક્રમ આર્થિક રીતે સક્ષમ નહીં બને ત્યાં સુધી અધિકારીઓને બઢતી ન આપવી જોઈએ. 
અન્યથા બેસ્ટ નિવૃત્ત કામદાર સંઘર્ષ સમિતિ વતી મોટું આંદોલન શરૂ કરવામાં આવશે. આ સંદર્ભે, સમિતિના અધ્યક્ષ ભાઈ પાનવડીકરએ મેયર રિતુ તાવડેને પત્ર લખ્યો છે.

પાનવડીકરએ વધુમાં જણાવ્યું હતું કર બેસ્ટમાંથી બઢતી મેળવી નિવૃત્ત થતા અધિકારીઓને નિવૃત્તિ પછી લગભગ 8થી 10 લાખનો મોટો નાણાકીય લાભ મળશે. વિવિધ વિભાગોમાં વરિષ્ઠ અધિકારીઓ માટે પાંચ વર્ષમાં આ પાંચમી બઢતી છે. 

છેલ્લા ચાર વર્ષમાં બેસ્ટમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓના લગભગ પાંચ હજાર પરિવારો મોટી આર્થિક મુસીબતમાં ફસાયેલા છે. કેટલાક તો નિવૃત્તિના પૈસા મેળવ્યા વિના મૃત્યુ પામ્યા છે. તેમ છતાં બેસ્ટ બઢતી આપી રહ્યું છે.