હાલમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી અને લૂ એટલે કે હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સતત વધતું તાપમાન માત્ર અગવડતા જ નહીં, પરંતુ હેલ્થ માટે પણ એક ગંભીર જોખમ પણ ઊભું કરી શકે છે. હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન જેવી જીવલેણ સ્થિતિથી બચવા માટે ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી આ ખાસ સલાહ-સૂચનોનું પાલન કરવું ખૂબ જ અનિવાર્ય બની જાય છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે જ વાત કરીશું...
ઉનાળાની ઋતુમાં જ્યારે જ્યારે બહારનું તાપમાન વધે છે, ત્યારે શરીર પોતાની જાતને ઠંડુ રાખવા સંઘર્ષ કરે છે. જોકે, આ પરિસ્થિતિમાં થોડી પણ બેદરકારી ભારે પડી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સ આ વિશે કેટલીક ખાસ એડવાઈઝ આપે છે, જેને ફોલો કરવી ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં રાહત અપાવશે અને કોઈ પણ ગંભીર સમસ્યાથી બચાવવામાં મદદ પણ કરશે.
હાઇડ્રેટેડ રહો:
ઉનાળાની ઋતુમાં તરસ લાગે તેની રાહ જોવા કરતાં દર થોડાક સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ. લીંબુ પાણી, નારિયેળ પાણી, તાજા ફળોના રસ અને ઓઆરએસનો ઉપયોગ કરવાનું રાખો. હંમેશા યાદ રાખો કે ચા, કોફી અને આલ્કોહોલ શરીરને વધુ ડિહાઇડ્રેટ કરે છે, તેથી તેનાથી દૂર રહો.
બપોરના સમયે તડાકામાં બહાર જવાનું ટાળોઃ
ઉનાળામાં બપોરના સમયે એટલે કે 11થી સાંજના 4 વાગ્યા સુધી સૌથી વધુ તડકો હોય છે આવી સ્થિતિમાં આ સમયે બહાર જવાનું ટાળો અને ઘરમાં જ રહો. જો કોઈ કારણસર બહાર જવું જ પડે એમ હોય તો હળવા રંગના સુતરાઉ કપડાં, છત્રી અને સનગ્લાસનો ઉપયોગ ચોક્કસ કરો.
ઘરનું વાતાવરણ ઠંડુ રાખો:
ઘરની બહારનું વાતાવરણ ગરમ હોય એવી સ્થિતિમાં ઘરની અંદરનું વાતવરણ ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે. બારીઓ પર પડદા લગાવો જેથી સીધો તડકો અંદર ન આવે. પંખા, કુલર કે AC નો ઉપયોગ કરો. જો આ સુવિધા ન હોય તો ઠંડા પાણીથી સ્નાન કરવાથી પણ શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે.
લક્ષણોને ઓળખો:
માથાનો દુખાવો, ચક્કર આવવા, વધુ પડતો પરસેવો કે ઉલટી જેવા લક્ષણો હીટ સ્ટ્રોકની શરૂઆત હોઈ શકે છે. આવા સમયે તરત જ ઠંડી જગ્યાએ જઈ આરામ કરવો અને જરૂર જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
બાળકો અને વડીલોની વિશેષ સંભાળ:
ઉનાળામાં સૌથી વધુ તકલીફ બાળકો અને વડીલોને પડે છે. તેમને આ સમયે પૂરતું પાણી પીવડાવો અને ક્યારેય પણ બાળકો કે પાલતુ પ્રાણીઓને બંધ ગાડીમાં એકલા ન છોડો, કારણ કે ગાડીનું તાપમાન ઝડપથી વધી શકે છે અને એમને લૂ લાગી શકે છે.
હળવો અને તાજો ખોરાક:
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી ઉનાળાના સમયમાં શક્ય હોય ત્યાં સુધી મસાલેદાર અને તળેલું ભોજન ખાવાનું ટાળો. ગરમથી બચવા માટે તમારે તમારા ડાયેટમાં દહીં, છાશ, સલાડ અને તરબૂચ જેવા પાણીથી ભરપૂર ફળોને ડાયટમાં સામેલ કરવા જોઈએ.