Wed Jul 29 2026

Logo

હાર્ટબીટ અચાનક વધી જાય છે? સ્ટ્રોકનું જોખમ વધારી દે છે આ સાઈલન્ટ બીમારી, સમયસર જાણી લો બચાવના ઉપાયો!

2026-07-29 14:38:33
Author: Darshana Visaria
Article Image

હાર્ટબીટ અચાનક ફાસ્ટ થઈ જવી, છાતીમાં મૂંઝારો કે ગભરામણ થવી કે પછી કોઈ પણ ખાસ કારણ વિના હાફ ચઢવી આ એવી સામાન્ય તકલીફો છે જેને મોટાભાગના લોકો સામાન્ય ગણીને અવગણી દેતા હોય છે. પરંતુ જો તમારી સાથે પણ વારંવાર આવું બની રહ્યું હોય, તો તે હૃદયથી જોડાયેલી ગંભીર બીમારી 'એટ્રિયલ ફિબ્રિલેશન' (Atrial Fibrillation) નો સંકેત હોઈ શકે છે. ચાલો આજે આ સ્ટોરી વિશે વિસ્તારથી જાણીએ... 

હાર્ટબીટની તાલ સાથે સંકળાયેલી આ દુનિયાની સૌથી સામાન્ય પણ ઘાતક તેમ જ જોખમી સમસ્યાઓમાંથી એક છે. સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે આપણામાંથી અનેક લોકોમાં આ બીમારીના કોઈ સ્પષ્ટ લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી, જેથી પરિસ્થિતિ ગંભીર બને ત્યારે જ લોકોને આ અંગે ખબર પડે છે.

ભારતમાં 80 લાખ લોકો આ બીમારીથી પીડિત:

'ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી'ના અંદાજ મુજબ, ભારતમાં આશરે 80 લાખ લોકો એટ્રિયલ ફિબ્રિલેશન સાથે જીવી રહ્યા છે. 'ડ્યુક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન'ના મેડિસિન પ્રોફેસર ડો. ક્રિસ્ટોફર ગ્રેંજરના જણાવ્યા અનુસાર, વધતી ઉંમર સાથે મોટાપો (ઓબેસિટી), ડાયાબિટીસ અને અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશરનો વધતો બોજ આ બીમારીના કેસોમાં ઝડપી વધારો કરી રહ્યો છે.

જ્યારે હૃદયના ઉપલા ચેમ્બર (Atria)માં અસામાન્ય ઈલેક્ટ્રિકલ એક્ટિવિટી થવા લાગે છે, ત્યારે એટ્રિયલ ફિબ્રિલેશન થાય છે. આના કારણે હૃદય સામાન્ય અને વ્યવસ્થિત રીતે ધડકવાને બદલે અનિયમિત રીતે ધડકવા લાગે છે.

મુખ્ય લક્ષણો શું છે?

જે લોકોમાં આના લક્ષણો દેખાતા નથી તેને 'સાઈલન્ટ એટ્રિયલ ફિબ્રિલેશન' કહેવાય છે. સામાન્ય રીતે દેખાતા લક્ષણોમાં અહીં જણાવવામાં આવેલા લક્ષણોનો સમાવેશ થાય છે-
હૃદયના ધબકારા અચાનક ખૂબ ઝડપી થઈ જવા કે છાતીમાં ફડફડાટ થવો
સામાન્ય કામમાં પણ શ્વાસ ફૂલવો
અતિશય થાક અનુભવાવો અને કસરત કરવાની ક્ષમતા ઘટી જવી
પલ્સ (નાડીના ધબકારા) અનિયમિત હોવા

ડોક્ટર્સના મતે, આરામ કરતી વખતે અચાનક હાર્ટ રેટ વધી જાય તો તેને ક્યારેય અવગણવો ન જોઈએ. અનિયમિત હાર્ટ રિધમ ડિટેક્ટ કરતી સ્માર્ટવોચ પણ આની ઓળખમાં મદદ કરી શકે છે, પરંતુ સચોટ નિદાન માટે ઈસીજી (ECG) કરાવવું જરૂરી છે.

કેમ આટલું ખતરનાક છે એટ્રિયલ ફિબ્રિલેશન?

આ બીમારી સાથે જોડાયેલું સૌથી મોટું જોખમ 'સ્ટ્રોક' (મગજનો એટેક) છે. હૃદયના ઉપલા ચેમ્બર બરાબર સંકોચાઈ શકતા ન હોવાથી હૃદયની અંદર લોહી જામવા લાગે છે અને લોહીના ક્લોટ્સ બને છે. જો આ ક્લોટ મગજ સુધી પહોંચી જાય તો લોહીનો પ્રવાહ રોકાઈ જાય છે અને 'ઈસ્કેમિક સ્ટ્રોક' થાય છે. એટ્રિયલ ફિબ્રિલેશન સ્ટ્રોકનું જોખમ ૫ ગણું વધારી દે છે. દર પાંચમાંથી એક સ્ટ્રોક આ સમસ્યાના કારણે થાય છે. આ બીમારી હૃદયની પમ્પિંગ ક્ષમતાને નબળી પાડીને 'હાર્ટ ફેઈલ્યોર' તરફ પણ દોરી જાય છે, જેનાથી ફેફસામાં પાણી ભરાવું અને શ્વાસ ચડવાની તકલીફ વધી શકે છે.

સારવારથી 70 ટકા સુધી સ્ટ્રોક અટકાવવો શક્ય:

સમયસર સારવાર લેવામાં આવે તો આ બીમારીથી થતા આશરે 70 ટકા સ્ટ્રોક અટકાવી શકાય છે.  લોહી પાતળું કરવાની દવાઓ (Anti-coagulants) લોહી ગંઠાતું અટકાવવામાં મદદ કરે છે. આ એક મિનિમલી ઈન્વેસિવ પ્રોસિજર છે, જેમાં અસામાન્ય ઈલેક્ટ્રિકલ સિગ્નલને બ્લોક કરીને હૃદયના ધબકારાને સામાન્ય લયમાં લાવવામાં આવે છે.

બચાવના સરળ ઉપાયો:
બીમારીના જોખમને ઘટાડવા માટે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો જરૂરી છે-
1.    બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખો.
2.    શરીરનું વજન સંતુલિત રાખો અને નિયમિત કસરત કરો.
3.    ધૂમ્રપાનથી બચો, દારૂનું સેવન મર્યાદિત કરો અને પૂરતી ઊંઘ લો.
4.    મર્યાદિત માત્રામાં ચા કે કોફી પીવાથી આ બીમારીનું જોખમ વધતું નથી.