જો તમને પણ રાત્રે ગાઢ ઊંઘ ન આવતી હોય કે સવારે ઉઠ્યા પછી થાક લાગતો હોય, તો તમારા રાત્રિના રૂટીનમાં એક નાનકડો ફેરફાર તમને મોટો ફાયદો કરાવી શકે છે. વિટામિન C, ફાઈબર, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર કીવી (Kiwi) ને એક સુપરફૂડ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાત્રે સૂતા પહેલા બે કીવી ખાવાથી ન માત્ર તમારી ઊંઘની ગુણવત્તા સુધરે છે, પરંતુ તેનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે અને આંતરડાનું સ્વાસ્થ્ય વધુ બહેતર બને છે.
સંશોધનોમાં સાબિત થયું છે કે, રાત્રે સૂવાના લગભગ એક કલાક પહેલાં બે લીલા કીવી ખાવાથી વ્યક્તિને ઝડપથી ઊંઘ આવે છે અને ગાઢ ઊંઘનો સમય પણ વધે છે. કીવી એ સેરોટોનિનનો કુદરતી સ્ત્રોત છે અને તેમાં મેલાટોનિન (Melatonin) પણ રહેલું હોય છે. આ બંને તત્વો આપણા શરીરના સ્લીપ-વેક સાયકલ એટલે કે ઊંઘવા અને જાગવાના ચક્રને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી અનિદ્રા અને થાકની સમસ્યા દૂર થાય છે.

સારી ઊંઘ ઉપરાંત, કીવી રાત્રિભોજન પછી પેટ ફૂલવાની સમસ્યા ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે. તેમાં રહેલા ફાઇબર અને પ્રાકૃતિક પ્લાન્ટ કમ્પાઉન્ડ્સને કારણે તે કબજિયાત દૂર કરે છે, સવારે સરળતાથી પેટ સાફ કરવામાં મદદ કરે છે અને ગટ માઇક્રોબાયોમને સ્વસ્થ રાખે છે. આ સિવાય, તમારી હેલ્ધી ડાયટમાં કીવી જેવા ફાઇબરયુક્ત ફળનો નિયમિત સમાવેશ કરવાથી ભવિષ્યમાં આંતરડાના કેન્સરનું જોખમ પણ મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે.