બપોરે પેટભરીને જમ્યા પછી અચાનક આંખો ભારે થવા લાગવી, આળસ આવવી અને કામમાં મન ન લાગવું એ ખૂબ જ સામાન્ય બાબત છે. મોટાભાગના લોકો બપોરે જમ્યા પછી આવી સુસ્તી અનુભવતા હોય છે. તબીબી ભાષામાં તેને 'ફૂડ કોમા' (Food Coma) અથવા 'પોસ્ટપ્રેન્ડિયલ સોમ્નોલેન્સ' (Postprandial Somnolence) કહેવામાં આવે છે. આ કોઈ ગંભીર બીમારીનો સંકેત નથી, પરંતુ શરીરની નેચરલ બોડી ક્લોક (Cardian Rhythm) અને ખોરાક પાછળનું વિજ્ઞાન આ માટે જવાબદાર છે.
વાત કરીએ કે આખરે બપોરે જમ્યા પછી કેમ આવે ઉંઘ આવે છે એની તો એના માટે કેટલાક કારણો જવાબદાર છે.
શરીરની નેચરલ બોડી ક્લોક:
સૌથી પહેલું કારણ એટલે માનવ શરીરની 24 કલાકની કુદરતી ઘડિયાળ (Circadian Rhythm) માં બપોરના સમયે એવો ફેરફાર થાય છે કે એલર્ટ રહેવાના સંકેતો કુદરતી રીતે ઘટી જાય છે. આ કારણે જમ્યા વગર પણ બપોરે આળસ અનુભવાઈ શકે છે અને જમ્યા પછી આ અસર બમણી થઈ જાય છે.
પાચન પ્રક્રિયા અને હોર્મોન્સ: જમ્યા પછી લોહીમાં ગ્લુકોઝ અને અન્ય પોષક તત્વો વધે છે. ખોરાક પચાવવા માટે શરીર સક્રિય થાય છે અને મગજમાં ઊંઘ તથા આરામ આપતા રસાયણો ઉત્પન્ન થાય છે. (નોંધ: એવું માનવું ખોટું છે કે બધું લોહી પેટમાં જતું રહેવાથી મગજને લોહી ઓછું મળે છે; આ અનેક શારીરિક પ્રક્રિયાઓનો સંયુક્ત પ્રભાવ છે.)
ભારે અને કેલરીયુક્ત ખોરાક: બપોરે વધુ પડતું તેલવાળું, તળેલું, ભારે, અતિશય ગળ્યું કે મેદા વાળું ભોજન લેવાથી વધુ કેલરી શરીરમાં જાય છે, જે સુસ્તી અને આળસ વધારે છે.
રાત્રે અપૂરતી ઊંઘ: જો રાત્રે ઊંઘ પૂરી ન થઈ હોય, તો બપોરે જમ્યા પછી અતિશય ઊંઘ આવવી સ્વાભાવિક છે.
બપોરની આળસ અને સુસ્તી દૂર કરવા શું કરવું?
હળવો અને સંતુલિત આહાર: બપોરે એકસાથે ભારે ખોરાક લેવાને બદલે સંતુલિત અને જરૂરિયાત મુજબનું જ ભોજન લેવું.
જમ્યા પછી વોક (Walk): જમ્યા પછી તુરંત બેસી કે સૂઈ જવાને બદલે થોડીવાર હળવા પગલે ચાલવું (15-20 મિનિટની વોક) જોઈએ.
હાઈડ્રેશન: પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને રાત્રે સાતથી આઠ કલાકની ગાઢ ઊંઘ લેવી.
ડૉક્ટરની સલાહ ક્યારે લેવી?
જો તમને દરરોજ જમ્યા પછી અતિશય ઊંઘ, ચક્કર કે નબળાઈ અનુભવાતી હોય અને તેનાથી તમારું રોજિંદુ કામ પ્રભાવિત થતું હોય, તો ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. ક્યારેક આ લક્ષણો ડાયાબિટીસ (બ્લડ સુગર), એનિમિયા (લોહીની ટકાવારી ઓછી હોવી), થાઈરોઈડ કે સ્લીપ ડિસઓર્ડર સાથે પણ સંકળાયેલા હોઈ શકે છે.