Thu Aug 20 2026

Logo

ગુજરાત પર કેટલી વરસાદી સિસ્ટમ છે સક્રિય ? સૌરાષ્ટ્રૃ-કચ્છની શું છે સ્થિતિ

2026-08-20 08:34:00
Author: Mayur Patel
Article Image

Ai Image


અમદાવાદ: ગુજરાત પર હાલ વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. રાજ્ય પર હાલ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદી માહોલ રહેશે. જોકે રાજ્યમાં એકંદરે સારો વરસાદ હોવા છતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ખેંચ જોવા મળી રહી છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદના જણાવ્યા મુજબ, ગુજરાત અને તેની આસપાસ હાલ ચાર વરસાદી સિસ્ટમો સક્રિય છે. જેમાં ઉત્તર ઝારખંડ પર બનેલું એક ડિપ્રેશન છે, ફિરોઝપુર અને કરનાલ થઈને ઉત્તર ઝારખંડના ડિપ્રેશન તરફ જતી ટ્રફ લાઇન સક્રિય છે,  મધ્ય પ્રદેશથી દક્ષિણ ગુજરાત તરફ પસાર થતી સિસ્ટમ પણ સક્રિય છે અને રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ એક્ટિવ છે. જેના કારણે  રાજ્યભરમાં આગામી એક સપ્તાહ સુધી હળવા વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 11 તાલુકામાં જ ઝરમર વરસાદ નોંધાયો હતો. 11 પૈકી 10 તાલુકા દક્ષિણ ગુજરાતના અને એક સૌરાષ્ટ્રનો હતો. ડાંગમાં સૌથી વધુ 0.28 ઇંચ વરસાદ પડ્યો હતો. કપરાડામાં 0.24 ઇંચ, વઘાઈમાં 0.20 ઇંચ, ડોલવણમાં 0.12 ઇંચ, વલસાડમ, વાપી, ધોરાજીમાં 0.8 ઇંચ તથા જલાલપોર, ધમરપુર, પારડી અને વાંસદામાં 0.4 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં વરસાદની સ્થિતિ: ક્યાંક મહેર તો ક્યાંક ખેંચ

ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 74.84 ટકા વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં હજુ પણ 2% ઓછો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ આકાશી મહેર વરસતાં સિઝનનો 102.57% વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ વરસાદની મોટી ઘટ પ્રવર્તી રહી છે. કચ્છમાં અત્યાર સુધીમાં માત્ર 29.25% વરસાદ જ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 55.91%  જ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં 56.22%, પૂર્વ મધ્યમાં 74.42% વરસાદ પડી ચુક્યો છે.

41 ડેમો હાઇ ઍલર્ટ પર

મેઘમહેરના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 88.31% ભરાઈ ગયો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 65.86% જળસંગ્રહ થયો છે, જેમાં 27 જળાશયો 100% ભરાઈ ગયા છે. 41 ડેમો હાઇ ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

અંબાલાલ પટેલનું અનુમાન

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, મઘા નક્ષત્ર હોવા છતાં ધાર્યો વરસાદ થઈ રહ્યો નથી. ઉપલા લેવલના પવનો સીધા અરબ સાગરથી બંગાળના ઉપસાગર થઈ ચીન તરફ જઈ રહ્યા છે. આ પવનો શાંત પડતાં જ બંગાળનો ઉપસાગર સક્રિય થશે અને મહિનાના અંતમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેનાથી સારો વરસાદ આવશે. તેમણે ઉમેર્યું હતું કે 22, 23 અને 24 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે તેમણે ‘અલ નીનો’ની અસર અંગે ચેતવણી આપતાં જણાવ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોને કારણે વરસાદની અસમાનતા (કોઈ જગ્યાએ વધુ તો ક્યાંક નહિવત્ વરસાદ) જોવા મળી શકે છે.