Sun Sep 13 2026

Logo

વૈશાખનો પ્રકોપ: ભાવનગરમાં પારો 45.2 ડિગ્રી, અમદાવાદ-ગાંધીનગર સહિત ૬ શહેરોમાં તાપમાન 43 ડિગ્રી પ્લસ

2026-05-14 19:36:36
Author: Devayat Khatana
વૈશાખનો પ્રકોપ: ભાવનગરમાં પારો 45.2 ડિગ્રી, અમદાવાદ-ગાંધીનગર સહિત ૬ શહેરોમાં તાપમાન 43 ડિગ્રી પ્લસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતમાં વૈશાખ મહિનાની આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો કહે, જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સૂર્યદેવતા આકરી ગરમી વર્ષાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભાવનગરમાં 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે સમગ્ર પંથક ભઠ્ઠીની જેમ શેકાયો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે, જેમાં અમદાવાદમાં 43.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી સેલ્સિયસ અને વડોદરામાં 43.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે અસહ્ય લૂનો અનુભવ થયો હતો. સૌરાષ્ટ્રના રાજકોટમાં 43.1 ડિગ્રી સેલ્સિયસ અને અમરેલીમાં 42.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા બપોરના સમયે જનજીવન પ્રભાવિત થયું હતું.

અન્ય વિસ્તારોની વિગત જોઈએ તો, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી સેલ્સિયસ અને ડીસામાં 42.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઉનાળાનો આકરો તાપ જોવા મળ્યો હતો. જ્યારે કચ્છના કંડલામાં 41.5 ડિગ્રી સેલ્સિયસ અને ભુજમાં 40.6 ડિગ્રી સેલ્સિયસ પારો નોંધાયો હતો. આ તરફ જૂનાગઢ 39.7 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 39.4 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 39.4 ડિગ્રી સેલ્સિયસ અને દાહોદ 39 ડિગ્રી સેલ્સિયસ એટલે કે અન્ય શહેરોમાં પણ તાપમાન 40 ડિગ્રીની નજીક રહ્યું હતું. જોકે, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીથી આંશિક રાહત મળી હતી, જેમાં દીવમાં 36.8 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 36.5 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 36.2 ડિગ્રી સેલ્સિયસ તેમજ દમણ અને ઓખામાં 35.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.