ગાંધીનગર: વિજ્ઞાન, વહીવટ, રમતગમત અને રાષ્ટ્ર સુરક્ષા જેવા દરેક ક્ષેત્રમાં દીકરીઓના વધતા વર્ચસ્વને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે એક નવતર પહેલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનને વેગ આપતા ગુજરાતે દેશમાં પ્રથમવાર ‘બાલિકા પંચાયત’ મોડેલ સફળતાપૂર્વક અમલી બનાવ્યું છે. રાજ્યની કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને તેમને લોકશાહી પ્રક્રિયાથી માહિતગાર કરવાના હેતુથી રાજ્યની ૧૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. નોંધનીય છે કે, કચ્છ જિલ્લાના મોટા અંગિયા અને મસ્કા ગામથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી આ નવતર વ્યવસ્થા હવે સમગ્ર રાજ્યમાં વિસ્તરી છે.
આગામી ૨૪ જાન્યુઆરીના ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે ‘દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમનું સશક્તીકરણ’ થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓના શિક્ષણ, આરોગ્ય અને સમાનતા અંગે જાગૃતિ લાવવા માટે મક્કમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બાલિકા પંચાયત દ્વારા કિશોરીઓને પોષણ, એનીમિયા, જેન્ડર ભેદભાવ, પંચાયતી રાજ અને બાળ અધિકારો જેવા મહત્વના મુદ્દાઓ પર જ્ઞાન આપી તેમને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે યુનિસેફના સહયોગથી ખાસ ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આ અભિયાનને છેવાડાના ગામ સુધી પહોંચાડવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સઘન તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં ICDS અને મહિલા કલ્યાણના કર્મયોગીઓને ‘ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ’ (ToT) આપવામાં આવી છે, જ્યારે બીજા તબક્કામાં જિલ્લાવાર ‘માસ્ટર ટ્રેનર્સ’ તૈયાર કરવામાં આવશે. આ માસ્ટર ટ્રેનર્સ ગ્રામીણ સ્તરની દીકરીઓને તાલીમ આપીને સશક્ત બનાવશે. રાજ્ય સરકાર સ્ત્રી ભ્રૂણહત્યા, બાળ લગ્ન અને બાળ મજૂરી જેવા સામાજિક દૂષણોને જડમૂળથી દૂર કરી દીકરીઓને સમાન તક પૂરી પાડવા કટિબદ્ધ છે. રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે આ પહેલ દીકરીઓના આત્મસન્માન અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વનો સંકલ્પ બની રહેશે.