Thu Apr 16 2026

Logo

ખેતીની જમીન ખરીદો છો ? જાણી લો આજથી શું થયો મોટો ફેરફાર

2026-04-06 10:32:00
Author: MayurKumar Patel
Article Image

AI Image


 

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખેતીની જમીન ખરીદીના કિસ્સામાં આજથી મોટો ફેરફાર થયો છે. ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ વખતે 7/12, 25 વર્ષ અગાઉ પડેલી છેલ્લી નોંધ અને છેલ્લા 25 વર્ષ દરમિયાન પડેલા હક્કપત્રકની તમામ નોંધોના ઉતારા ફરજિયાત રજૂ કરવાના રહેશે. જો, આ પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવામાં આવશે નહીં આવે. આ પરિપત્રનો સોમવારથી અમલ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગમાં તાજેતરમાં વટહુકમ બહાર પાડવામાં આવ્યા બાદ નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા ખેતીની જમીનના દસ્તાવેજની નોંધણી અંગે પરિપત્ર કર્યો છે.  

કેમ લેવામાં આવ્યો છે નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા ઈ-ધરા ડિજિટલ લેન્ડ રેકર્ડ સિસ્ટમના અમલીકરણ સહિત જમીન રેકર્ડ વહીવટને આધુનિક બનાવવા માટે તથા દસ્તાવેજથી તબદીલ થતાં વ્યવહારોનું પ્રમાણીકરણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે 31 માર્ચ, 2026ના રોજ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમમાં શરતો ઉમેરવા માટે વટહુકમ કર્યો હતો. જેમાં વિવિધ ફેરફાર નોંધ પૈકી કોઈ તકરાર કે કેસ પડતર ન હોય, હકપત્રકમાં જે તમામ વ્યક્તિઓના નામ છે અને તેમણે વેચાણખત કરેલો છે તેમજ વેચાણખત કર્યાની તારીખ પહેલાની એક વર્ષ કે તેથી વધુ મુદ્દત માટે જમીનના હક્કપત્રકમાં કોઈ ફેરફાર નોંધાયેલી ન હોય તેવા કિસ્સામાં ફેરફાર નોંધની હકપત્રકમાં નોંધણી કરવામાં આવશે અને તે જ દિવસે તેને પ્રમાણિત કરાશે. 

ક્યા પુરાવા રજૂ કરવા પડશે

આ વટહુકમોની જોગવાઈઓનો અસરકારક અમલીકરણ માટે રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જ્યારે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ નોંધણી અર્થે આવે ત્યારે વિવિધ સૂચનાઓને ધ્યાને લઈને કાર્યવાહી કરવા માટે નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા પરિપત્ર કરાયો છે. જેમાં ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ માટે રજૂ થાય ત્યારે તમામ ખરીદનાર નું ખેડૂત ખાતેદર હોવા અંગેના પુરાવા રૂપે સંબંઘિત જમીનના અદ્યતન ગામ નમુના નંબર 7/12 અને દસ્તાવેજમાં સહી કર્યા તારીખથી 25 વર્ષ અગાઉની તારીખની અગાઉ પડેલી નોંધ તથા છેલ્લા 25 વર્ષ દરમિયાન પડેલા હક્કપત્રક એટલે કે ગામ નમુના નંબર-6ની તમામ નોંધોના ઉતારા રજૂ કરવાના રહેશે. 

પુરાવા નહીં આપો તો શું થશે

દસ્તાવેજ નોંધણી સમયે ખેડૂત ખાતેદાર હોવા અંગેના પુરાવાઓને ફરજિયાતપણ દસ્તાવેજનો ભાગ બનાવવાનો રહેશે. જો, દસ્તાવેજ નોંધણી સમયે નક્કી કરેલા પુરાવાઓ રજૂ કરવામાં ન આવે તો દસ્તાવેજ નોંધણી અર્થે સ્વીકારવાના રહેશે નહીં તેવી પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આમ, દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર દ્વારા સ્વીકારવામાં ન આવે ત્યારે તેનાથી નારાજ હોય તો તે અંગે અરજદાર દ્વારા સંબંધિત જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર- કલેક્ટરને 30 દિવસમાં અપીલ કરવાની રહેશે. આ અપીલનો નિર્ણય પણ રજિસ્ટ્રાર- કલેક્ટર દ્વારા કરવામાં આવશે. આ પરિપત્રનો આજથી એટલે કે 6 એપ્રિલથી ચુસ્તપણે અમલ કરવા માટે પણ આદેશ કરાયો છે.