Wed Jun 10 2026

Logo

અમદાવાદમાં ભેળસેળયુકત 452 લીટર ઘીનો જથ્થો જપ્ત, ફેક્ટરી સીલ

2026-06-10 20:07:47
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદમાં ગાંધીનગર સ્થિત ફ્લાઈંગ સ્ક્વોડે કઠવાડા વિસ્તારમાં શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ ખાતે અચાનક તપાસ હાથ ધરી હતી. આ  તપાસ દરમિયાન ભેળસેળની પ્રબળ શંકા, ઓછો વેચાણ ભાવ, જરૂરી ખરીદ-વેચાણના દસ્તાવેજોની ગેરહાજરી તથા માન્ય ફૂડ લાયસન્સના અભાવને ધ્યાનમાં રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય ફર્મના નામે ઉત્પાદન કરવામાં આવતું 

ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પરથી અંદાજિત રૂ. 2.85  લાખની કિંમતનો 452 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો અને સમગ્ર ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે સંચાલકો જરૂરી લાયસન્સ વિના ઉત્પાદન કરી રહ્યા હતા તેમજ અન્ય ફર્મના નામે ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું હતું.

ઘીના નમૂનાઓ વૈજ્ઞાનિક પૃથક્કરણ માટે મોકલાયા 

આ જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ વૈજ્ઞાનિક પૃથક્કરણ અને વિશ્લેષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અહેવાલ પ્રાપ્ત થયા બાદ જવાબદારો સામે કાયદાની કડક જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જનઆરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને ભેળસેળિયા તત્વો સામે આવી કડક તથા શિક્ષાત્મક કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત્ ચાલુ રહેશે.

 રાજયમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર દ્વારા 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજયમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.