Wed Jun 10 2026

Logo

રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા જ દિવસે સાસુ-નણંદે વહુનું મુંડન કરાવ્યું, આ તે કેવો 'રિવાજ'?

2026-06-10 17:02:36
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ શહેરમાં અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો સાથે જોડાયેલો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. મ પતિના અવસાનના ત્રીજા જ દિવસે પત્નીનું મુંડન કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને મહિલા પોલીસ મથકે ગુનો નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

શું છે વિગત

પ્રાથમિક વિગતો અનુસાર, 11 નવેમ્બર 2025ના રોજ ચંદ્રેશ જાગણી નામના વ્યક્તિનું અવસાન થયું હતું. ત્યારબાદ મૃતકની પત્નીનું મુંડન કરાવવામાં આવ્યું હોવાનો આરોપ તેમના સાસુ અને નણંદ સામે લગાવવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પરિવારના દબાણ અને આદેશના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે પતિ કેન્સરથી પીડિત હોવા છતાં પરિવાર અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતો હતો. સારવાર અને દવાઓ ચાલુ રાખવાને બદલે ભૂવા અને માન્યતાઓ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો, જેના કારણે સારવાર પણ અસરગ્રસ્ત થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

હાલ સમગ્ર મામલે મહિલા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત અને જવાબદારી અંગે સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

આ ઘટનાએ 21મી સદીમાં પણ અંધશ્રદ્ધા અને મહિલાઓ સામેના સામાજિક ભેદભાવ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.