નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘકાલીન કાર્યકાળની આર્થિક સિદ્ધિઓ વર્ણવતી એક ખાસ પુસ્તિકા બહાર પાડી છે, જેમાં ટેક્સના બોજમાં ઘટાડાને 'રામરાજ્ય' અને સુશાસન સાથે સરખાવવામાં આવ્યો છે. વિશેષ બુકલેટમાં નરેન્દ્ર મોદીના સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન તરીકેના કાર્યકાળની સિદ્ધિઓ વર્ણવામાં આવી છે. સરકારનું કહેવું છે કે છેલ્લા 12 વર્ષમાં આવકવેરાના બોજમાં ઘટાડો રામરાજ્યની ઝલક બતાવે છે. જીએસટી, ફેસલેસ ટેક્સેશન અને ડિજિટલ ઇન્ડિયા જેવા સુધારાઓએ સરકારી વ્યવસ્થામાં જનતાનો વિશ્વાસ વધાર્યો છે. આ સુધારાઓ ભારતને 5 ટ્રિલિયન ડૉલરની અર્થતંત્ર બનાવવામાં મદદ કરશે.
પુસ્તિકા અનુસાર, કરદાતાઓના વિશ્વાસમાં વધારો થવાથી રસ્તાઓ, હોસ્પિટલો અને માળખાગત સુવિધાઓમાં રોકાણ વધ્યું છે. મોદી સરકારે 2014થી ચાર વખત નોંધપાત્ર કર રાહત આપી છે. છેલ્લા 12 વર્ષમાં વાર્ષિક કરમુક્ત આવક મર્યાદા છ વખત વધારવામાં આવી છે. આ મર્યાદા મૂળ 2 લાખ રૂપિયા હતી અને હવે 12.75 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન કરદાતાઓની સંખ્યા પણ 5.26 કરોડથી વધીને 12.13 કરોડ પર પહોંચી ગઈ છે.
સરકારે દાવો કર્યો હતો કે જ્યારે તેની આવકમાં વધારો થયો છે, ત્યારે નાણાં તિજોરીમાં જમા રહ્યા નથી. તે પૈસા વિકાસના કામો મારફતે નાગરિકો પાસે પહોંચી ગયા છે. આવકવેરા રિફંડ હવે પહેલા કરતા વધુ ઝડપથી મળી રહ્યા છે.
આનાથી રોકડની ઉપલબ્ધતામાં વધારો થયો છે. પુસ્તિકામાં જણાવાયું છે કે કરના બોજમાં ઘટાડો થવાથી લોકોનો વિશ્વાસ વધ્યો છે. લોકો જુએ છે કે તેમના પૈસા દેશના ભવિષ્યના નિર્માણ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. આ સુશાસન અને રામરાજ્યનો સંદેશ છે.
ભારતની વિકાસ યાત્રા સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી છે. 2013માં ભારત વિશ્વની પાંચ સૌથી નબળી અર્થવ્યવસ્થાઓમાં સામેલ હતું. જોકે, કઠોર સુધારાઓએ સંપૂર્ણ તસવીર બદલી લીધી છે. આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. સરકારે ફુગાવાને નિયંત્રિત કર્યો છે અને જીએસટી લાગુ કરીને સમગ્ર દેશને એક બજારમાં પરિવર્તિત કર્યો છે. બેન્કિંગ સુધારાઓએ બેન્કોમાં એનપીએ પણ ઘટાડી છે.
જીએસટી સુધારાઓએ નાગરિકોનું જીવન સરળ બનાવ્યું છે. આના પરિણામે તમામ આવક જૂથોના લોકો માટે ખર્ચમાં 10 ટકા સુધીની બચત થઈ છે. એપ્રિલમાં જીએસટી કલેક્શન 2.42 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.
મધ્યમ વર્ગને આ સુધારાઓનો સૌથી વધુ ફાયદો થયો છે, જેનાથી સ્થાનિક વપરાશમાં આશરે 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. વર્ષ 2025-26માં, જાહેર ક્ષેત્રની બેન્કોએ લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ નફો મેળવ્યો છે.