Wed Jun 10 2026

Logo

મુંબઈ ટ્વીન ટનલ પ્રોજેક્ટ: ગિરગાંવ ચોપાટી પાસે બનશે હાઇટેક ટેકનિકલ બિલ્ડિંગ, ઉચ્ચ સ્તરીય સમિતિએ કર્યું નિરીક્ષણ

2026-06-10 21:10:44
Author: Mumbai Samachar Team
Article Image

ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ વચ્ચેનો મુસાફરીનો સમયમાં થશે ઘટાડો

મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ સુધી ટ્વીન-ટનલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે  સ્વરાજ્યભૂમિ (ગિરગાંવ ચોપાટી) નજીક 'નાની ચોપાટી' ખાતે માટે એક ટેકનિકલ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જે મુંબઈના પૂર્વ અને દક્ષિણ ભાગોને સીધા જોડશે. આ બિલ્ડિંગ મફતલાલ સ્વિમિંગ પૂલ નજીક બાસ્કેટબોલ કોર્ટના સ્થળે બનાવવામાં આવશે.

ઇસ્ટર્ન ફ્રીવે, અટલ સેતુ, મરીન ડ્રાઇવ અને મુંબઈ કોસ્ટલ રોડને જોડનાર આ આ ભૂગર્ભ કોરિડોર આશરે 9.2 થી 10 કિલોમીટર લાંબો છે, જેમાંથી  લગભગ 7 કિલોમીટર ભૂગર્ભ છે. ટનલના સંચાલન માટે નાની ચોપાટી ખાતે એક ટેકનિકલ ઇમારત બનાવવામાં આવનાર છે. ગિરગાંવ ચોપાટી ખાતે કોઈ પણ બાંધકામ કાર્ય માટે ઉચ્ચ-સ્તરીય સમિતિની પૂર્વ મંજૂરી ફરજિયાત છે.

આ સંદર્ભે, 8 જૂનના મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય ખાતે ઉચ્ચ-સ્તરીય સમિતિના ચેરમેન રફીક દાદા અને એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. અશ્વિની જોશીની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી. મંગળવારે એક ઉચ્ચ સ્તરીય સમિતિએ આ ટેકનિકલ ઇમારત માટે જરૂરી સ્થળનું નિરીક્ષણ કરવા માટે સ્વરાજ્ય ભૂમિ પરિસરની મુલાકાત લીધી.

સ્થળ નિરીક્ષણ મુલાકાત દરમિયાન અશ્વિની જોશી સાથે જિલ્લા કલેક્ટર (મુંબઈ શહેર) આંચલ ગોયલ, ઉચ્ચ સમિતિના સભ્ય ઇન્દ્રાણી મલકાણી, સહાયક કમિશનર સંતોષ સાળુંખે, મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઉચ્ચ સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણો અનુસાર, મફતલાલ સ્વિમિંગ પુલ ખાતે સ્થિત બાસ્કેટબોલ કોર્ટના સ્થળે આ ઇમારત બનાવવાની શક્યતા એમએમઆરડીએ દ્વારા ચકાસવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ બાબત અંગેનો પ્રસ્તાવ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર કલેક્ટર કાર્યાલયને સુપરત કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ બે અલગ અલગ ટનલ બનાવવામાં આવી રહી છે, જેમાં મલ્ટી-લેન રોડવે, કટોકટી સુવિધાઓ અને અત્યાધુનિક સુરક્ષા પ્રણાલીઓનો સમાવેશ થાય છે. એકવાર ટનલ કાર્યરત થઈ ગયા પછી ઓરેન્જ ગેટ અને મરીન ડ્રાઇવ વચ્ચેનો મુસાફરીનો સમય 22-40 મિનિટથી ઘટીને આશરે 5 મિનિટ થવાની ધારણા છે. 
આ પ્રોજેક્ટ દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક ભીડ ઘટાડવામાં, પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં અને સમય અને ઇંધણ બંનેની બચત કરવામાં નોંધપાત્ર રીતે મદદ કરશે.