હોર્મુઝની સ્ટ્રેટ નજીક અપાચે હેલિકોપ્ટર ક્રેશ બાદ યુએસ નેવીએ પહેલીવાર ડ્રોન બોટ 'કોર્સેયર' દ્વારા હાથ ધર્યું સફળ બચાવ અભિયાન
વોશિંગ્ટનઃ હોર્મુઝની સ્ટ્રેટ નજીક નિશાન બનાવવામાં આવેલા અમેરિકન આર્મી અપાચે હેલિકોપ્ટરમાં સવાર બે ક્રૂ સભ્યોને બચાવવા માટે જે ડ્રોન બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનું નિર્માણ ટેક્સાસની એક કંપનીએ બનાવી છે, જેના ફાઉન્ડરમાં ભારતીય-અમેરિકન એન્જિનિયર વૈભવ અલ્ટેકર પણ સામેલ છે.
"સૈરોનિક ટેકનોલોજી" તરફથી વિકસિત ‘ડ્રોન બોટ કોર્સેયર"થી સંચાલિત બચાવ અભિયાન અમેરિકન સશસ્ત્ર દળો તરફથી હાથ ધરવામાં આવેલ આ પ્રકારનું પ્રથમ મિશન હતું. અમેરિકન દળો લાંબા સમયથી આ પ્રકારના ઓપરેશનમાં માનવરહિત વિમાનનો ઉપયોગ કરતા આવ્યા છે.
કેપ્ટન ટિમ હોકિન્સે મંગળવારે જણાવ્યું હતું કે આ એક સ્વ-સંચાલિત દરિયાઈ બોટથી હાથ ધરવામાં આવેલું અમેરિકાનું પ્રથમ બચાવ અભિયાન હતું જેને એક વ્યક્તિ દૂરથી ઓપરેટ કરતો હતો. હોકિન્સના જણાવ્યા મુજબ, 24 ફૂટ લાંબી "કોર્સેયર" ડીઝલ પર ચાલે છે અને 35 નોટ સુધીની મહત્તમ ગતિ સુધી પહોંચી શકે છે. તેમણે સમજાવ્યું કે આ ડ્રોન બોટ 1,000 પાઉન્ડ સુધીનો ભાર વહન કરવામાં સક્ષમ છે અને એક સમયે 1,000 નોટિકલ માઇલની મુસાફરી કરી શકે છે.
‘સૈરોનિક ટેકનોલોજી’ની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તેણે ઓટોમેટિક ચાલે તેવી દરિયાઈ બોટ બનાવવા માટે યુએસ નેવી સાથે 39.2 કરોડ અમેરિકન ડોલરનો કરાર કર્યો છે. ‘નેવી સીલ’ સાથે 11 વર્ષ સુધી જોડાયેલા રહેલા ડીનો મવરુકાસે વૈભવ આલ્ટેકર, ડગ લેબર્ટ અને રોબ લીહમન સાથે મળીને સપ્ટેમ્બર 2022માં સૈરોનિક ટેકનોલોજીની સ્થાપના કરી હતી. કંપનીનું મુખ્ય મથક ટેક્સાસના ઓસ્ટિનમાં છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર આલ્ટેકર સૈરોનિક ટેકનોલોજીના ચીફ ટેકનોલોજી ઓફિસર છે. કંપનીની વેબસાઇટ પરની તેમની પ્રોફાઇલ અનુસાર, આલ્ટેકર સૈરોનિક ટેકનોલોજીની સ્વાયત્ત સિસ્ટમ્સ અને સોફ્ટવેર આર્કિટેક્ચરના વિકાસનું નિરીક્ષણ કરે છે.
તેઓ ફોરવર્ડ ડિપ્લોય્ડ એન્જિનિયરિંગ, પ્રોડક્ટ અને સ્પેશિયલ પ્રોગ્રામ્સ ટીમો તેમજ સોફ્ટવેર ટીમનું નેતૃત્વ કરે છે, જે તેમને પ્રોડક્ટ કોન્સેપ્ટ, નેવિગેશન, મશીન લર્નિંગ, કમાન્ડ અને કંટ્રોલ અને સિસ્ટમ્સ ઇન્ટિગ્રેશન જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત કર્મચારીઓ સાથે કામ કરવાની તક આપે છે.