Wed Jun 10 2026

Logo

અમેરિકામાં ભારતીય કેરીનો ક્રેઝ: સુપરમાર્કેટ્સમાં લાગી લાંબી લાઈનો, અલ્ફાન્સો અને કેસર ખરીદવા લોકો ઘેલા થયા

Washington, D.C.   2026-06-10 17:39:38
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી, વોશિંગ્ટન ડીસી: એક તરફ જાપાન અને નેપાળ જેવા દેશોએ ભારતીય કેરીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે બીજી તરફ અમેરિકામાં ભારતીય કેરીઓનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સિએટલથી લઈને લોસ એન્જલસ અને ન્યૂ જર્સીથી લઈને વોશિંગ્ટન ડીસી સુધી કેસર, અલ્ફાન્સો અને લંગડા જેવી ભારતીય કેરીઓની વેરાયટીઓની માંગ એટલી વધી ગઈ છે કે મોટા-મોટા રિટેલ સ્ટોર્સમાં થોડા જ કલાકોમાં સ્ટોક ખલાસ થઈ જાય છે.

હજારો કિલોમીટર દૂર પણ મળ્યો વતનનો સ્વાદ

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાનું કહેવું છે કે, ભારતીય કેરીઓની આ લોકપ્રિયતા માત્ર અમેરિકામાં વસતા ભારતીયો પૂરતી મર્યાદિત નથી, પરંતુ હવે અમેરિકન નાગરિકો પણ ભારતીય કેરીના સ્વાદના દીવાના બન્યા છે. જેના કારણે ભારતીય કેરીઓની માંગ અમેરિકામાં વધી રહી છે. ઘણા દાયકાઓ સુધી ભારતીય-અમેરિકન લોકો ઉનાળામાં કેરી ખાવા માટે ખાસ ભારત આવતા હતા અને અલ્ફાન્સો, કેસર, લંગડા અને દશેરી કેરીઓનો સ્વાદ માણીને તેની યાદો અમેરિકા લઈ જતા હતા. પરંતુ હવે આ જ કેરીઓ અમેરિકાના મોટા રિટેલ સ્ટોર્સમાં સરળતાથી મળવા લાગી છે.

સિએટલમાં 'મેંગો મેજિક' ધૂમ મચાવી

વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 'મેંગો ફેસ્ટિવલ' પહેલાં ક્વાત્રાએ જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં રહેતા ભારતીયો માટે કેરી એ ઉનાળાની યાદોનો એક ખાસ હિસ્સો છે. સૌથી ખુશીની વાત એ છે કે જે સ્વાદ પહેલાં માત્ર ભારતમાં મળતો હતો, તે હવે અમેરિકાના સુપરમાર્કેટ્સમાં પણ ઉપલબ્ધ છે." ભારતીય કેરીઓની વધતી લોકપ્રિયતાનું તાજું ઉદાહરણ સિએટલમાં જોવા મળ્યું, જ્યાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે 'મેંગો મેજિક' કાર્યક્રમની બીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના સહયોગથી યોજાયો હતો. તેમાં 100 થી વધુ આયાતકારો, વિતરકો અને કોસ્ટકો જેવી મોટી મલ્ટિનેશનલ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

માત્ર ૨ કલાકમાં બધી કેરીઓ વેચાઈ ગઈ!

આ ફેસ્ટિવલમાં ગુજરાતની કેસર અને રાજાપુરી, મહારાષ્ટ્રની અલ્ફાન્સો અને કેસર, આંધ્રપ્રદેશની બંગનપલ્લી અને હિમાયત અને ઉત્તર પ્રદેશની લંગડા અને દશેરી એમ 7 પ્રીમિયમ પ્રકારની કેરીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. વોશિંગ્ટન રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર ડેની હેકે પણ રાજ્યમાં ભારતીય કેરીઓની વધુ જાતો ઉપલબ્ધ થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. અમેરિકાના પ્રખ્યાત હોલસેલ સ્ટોર 'કોસ્ટકો' (Costco) એ મે મહિનામાં પહેલીવાર ભારતીય કેસર કેરીનો જથ્થો સિએટલ, લાસ વેગાસ, ન્યૂ જર્સી અને લોસ એન્જલસના સ્ટોર્સમાં મોકલ્યો હતો. કોસ્ટકોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્ટોર્સમાં કેરી આવ્યાના માત્ર બે કલાકની અંદર જ આખી ખેપ વેચાઈ ગઈ હતી.

ભારત છે વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ

સોશિયલ મીડિયા પર પણ કેલિફોર્નિયા અને ન્યૂ જર્સીના લોકો કોસ્ટકો સ્ટોર્સના ફોટા શેર કરીને એકબીજાને વહેલા પહોંચવાની સલાહ આપી રહ્યા છે, જેથી સ્ટોક ખતમ થાય તે પહેલાં તેઓ કેરી ખરીદી શકે. ભારત દુનિયામાં કેરીઓનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાં દર વર્ષે 26 મિલિયન મેટ્રિક ટનથી વધુ કેરીનું ઉત્પાદન થાય છે અને અહીં કેરીની 1000થી વધુ જાતો જોવા મળે છે. અમેરિકામાં ભારતીય કેરીઓની નિકાસ 18 વર્ષના પ્રતિબંધ બાદ 2007માં ફરી શરૂ થઈ હતી, જે છેલ્લા એક દાયકામાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.