Wed Jun 10 2026

Logo

બંધ ફ્લેટ, ઝેરી દવા અને દેવદૂત બનેલી સુરત પોલીસ: જાંબાઝ કોન્સ્ટેબલે જીવના જોખમે બચાવ્યો યુવકનો જીવ!

2026-06-10 21:03:55
Author: Vimal Prajapati
Article Image

સુરતઃ આજના સમયમાં માણસમાં ધીરજ ખૂટતી જાય છે. નાની-નાની વાતોમાં વ્યક્તિ જિંદગીથી હારીને આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં ભરવાનો વિચાર કરી લે છે. દેવું, આર્થિક તંગી, સંબંધોમાં તિરાડ કે ઘર કંકાસના કારણે લોકો પોતાની જીવનલીલા સંકેલી લેતા હોય છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના સુરતમાં બનતા અટકી ગઈ છે.

ગુજરાત પોલીસની સમયસૂચકતા અને સરાહનીય કામગીરીના કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. ગુજરાત પોલીસની સરાહનીય કામગીરીના કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. એક વ્યક્તિ પોતાનું ઘર બંધ કરીને ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ગુજરાત પોલીસે સમયસર પહોંચીને તેનો જીવ બચાવી લીધો હતો.

સાંજે 6:12 વાગ્યે આવ્યો ઇમરજન્સી કોલ

ઘટનાની વિગતો મુજબ, ગઈકાલે 9 જૂનના સાંજે 6:12 વાગ્યાની આસપાસ પોલીસને એક ઇમરજન્સી કોલ મળ્યો હતો. કોલમાં જણાવવામાં આવ્યું કે સુરતના ખોલવાડ ગામ ખાતે આવેલ સ્ટાર પવિત્ર નગરી એપાર્ટમેન્ટના સાતમા માળે, ફ્લેટ નંબર A/701 માં રહેતા કિરણભાઈ રામજીભાઈ ધામેલિયા માનસિક રીતે ભાંગી પડ્યા છે અને કંટાળીને ઝેરી દવા પી રહ્યા છે. કિરણભાઈએ પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. કોલ મળતાની સાથે જ પી.સી.આર (PCR) વાનના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ગોવિંદભાઈ (બ.નં. ૩૩૯૯) અને પીસીઆર વાનના ડ્રાઈવર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પોલીસે જીવના જોખમે બારીમાંથી મારી કૂદકો

એપાર્ટમેન્ટના સાતમા માળે પહોંચીને જોયું તો ફ્લેટનો મુખ્ય દરવાજો અંદરથી મજબૂત રીતે બંધ હતો. દરવાજો તોડવામાં સમય બગડે તેમ હોવાથી પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈએ અદ્ભુત સમયસૂચકતા દાખવી હતી. તેઓ તાત્કાલિક બાજુના ફ્લેટમાં ગયા અને સાતમા માળની ઊંચાઈએ પોતાના જીવની પરવાહ કર્યા વિના પાછળની બારીમાંથી કૂદીને કિરણભાઈના ઘરમાં પ્રવેશ કર્યો હતો.

શૈલેષભાઈ અંદર પહોંચ્યા ત્યારે કિરણભાઈએ થોડી ઝેરી દવા પી લીધી હતી અને તેમને ઉલ્ટીઓ શરૂ થઈ ગઈ હતી. 108 એમ્બ્યુલન્સને પહોંચવામાં સમય લાગે તેમ હોવાથી, પોલીસે જરાય રાહ જોયા વિના કિરણભાઈને સાતમા માળેથી નીચે ઉતાર્યા અને પોતાની પીસીઆર વાનમાં જ તાત્કાલિક કામરેજ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં સમયસર સારવાર મળતા તેમનો જીવ બચી ગયો હતો.

પો.કો શૈલેષભાઈએ દવા પીતા અટકાવ્યાં હતાં

મુંબઈ સમાચાર સાથે વાત કરતા પો.કો શૈલેષભાઈએ જણાવ્યું કે, પીસીઆર કોલ મળતાની સાથે જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. તે ઘર તો અંદરથી બંધ હતું, પરંતુ તેમણે પોતાની જીવના જોખમે બાજુના મકાનમાં પાછળ બારીએથી કિરણભાઈના મકાનમાં પ્રવેશ કર્યો અને દવા પીતા અટકાવ્યાં હતાં. થોડી દવા પી લીધી હતી જેના કારણે ઉલ્ટીઓ શરૂ થઈ હતી. 108 એમ્બ્યુલન્સને પહોંચતા વાર લાગે તેમ હતી, જેથી જીવ બચાવવા માટે પો.કો શૈલેષભાઈ કિરણ ભાઈને પીસીઆર વાનમાં જ હોસ્પિટલ સુધી લઈ ગયાં અને સારવાર શરૂ કરાવી હતી. 

આખરે શા માટે કિરણભાઈ આત્મહત્યા કરવા માંગતા હતા તેના વિશે હજી કોઈ ચોક્કસ જાણકારી મળી નથી, પરંતુ શૈલેષભાઈએ જણાવ્યું કે, કિરણભાઈએ અમરોલી વિસ્તારમાં રહેતી પોતાની પત્નીને મેસેજ કરીને જણાવ્યું હતું કે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. પત્નીએ આ મેસેજ જોતા જ સહેજ પણ સમય બગાડ્યા વિના તરત જ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે સમયસર પહોંચીને કિરણભાઈનો જીવ બચાવી લીધો અને ગુજરાત પોલીસની નામના વધારી છે. 

હિંમત બતાવીને પોલીસનું ગૌરવ વધ્યું

ગુજરાત પોલીસની આવી સરાહનીય કામગીરીના કારણે લોકોનો પોલીસ પણ વિશ્વાસ વધી રહ્યો છે. જો પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ અને તેમના સાથી મિત્ર ધર્મેન્દ્ર સિંહ ગોહિલે અન્ય ટીમની રાહ જોઈ હોત અથવા પોતાના જીવની ચિંતા કરી હોત, તો કદાચ મોટી દુર્ઘટના ઘટી ગઈ હોત! પરંતુ પોતાની પરવાહ કર્યા વિના તેમણે જે હિંમત બતાવી તેનાથી ગુજરાત પોલીસનું ગૌરવ વધ્યું છે અને લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. હાલ કિરણભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાથી આ કેસમાં બાકીની કાર્યવાહી કામરેજ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.