કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગ્લેમર અને વિવાદોનો જૂનો સંબંધ રહ્યો છે. આ દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ સાયોની ઘોષ (Saayoni Ghosh) ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. એક સમયે બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી રહેલા સાયોની ઘોષ આજે સંસદસભ્ય છે, પરંતુ તાજેતરમાં તેમના પક્ષ સામેના જ બળવાખોર વલણને કારણે તેઓ રાષ્ટ્રીય હેડલાઇન્સમાં ચમક્યા છે. મમતા બેનર્જીની પાર્ટીમાં અત્યંત આક્રમક અને યુવા ચહેરો ગણાતા સાયોની ઘોષની અભિનેત્રીથી લઈને સંસદ સુધી પહોંચવાની અને હવે વિવાદોમાં ઘેરાવાની સફર ઘણી રસપ્રદ છે.
કોણ છે સાયોની ઘોષ?
સાયોની ઘોષે પોતાના કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝનથી કરી હતી. તેમણે ઘણી લોકપ્રિય ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરીને અભિનેત્રી તરીકે પોતાની મજબૂત ઓળખ બનાવી હતી. જો કે, વર્ષ 2021માં તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા સત્તાવાર રીતે તૃણમૂલ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. પાર્ટીમાં જોડાતાની સાથે જ મમતા બેનર્જીએ તેમના પર ભરોસો મૂક્યો અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં આસનસોલ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી હતી. જો કે, આ ચૂંટણીમાં ભાજપના અગ્નિમિત્રા પોલ સામે સાયોનીનો પરાજય થયો હતો. હારવા છતાં, તેમની રાજકીય સક્રિયતા અને વક્તૃત્વ શૈલીને જોઈને મમતા બેનર્જીએ તેમને TMC યુથ વિંગના પ્રમુખ જેવી મોટી જવાબદારી સોંપી હતી.
લોકસભા ચૂંટણીમાં મોટી જીત અને સંસદની સફર
વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સાયોની ઘોષના રાજકીય કરિયરનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. તૃણમૂલ કોંગ્રેસે તેમને હાઈ-પ્રોફાઈલ બેઠક જાદવપુર પરથી ઉમેદવાર બનાવ્યા. સાયોની ઘોષે આ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને મોટા માર્જિનથી જીત મેળવીને સંસદમાં પ્રવેશ કર્યો. સાંસદ બન્યા બાદ સંસદની અંદર પણ તેઓ કેન્દ્ર સરકાર સામે આક્રમક રીતે અવાજ ઉઠાવવા માટે જાણીતા બન્યા છે.
હવે કેમ ચર્ચામાં છે સાયોની ઘોષ?
હંમેશાં પક્ષની નીતિઓ અને મમતા બેનર્જીની પડખે ઊભા રહેતા સાયોની ઘોષ હાલમાં પોતાના જ પક્ષ સામે 'બળવાખોર' વલણ અપનાવવાને કારણે ચર્ચામાં છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ પક્ષના કેટલાક આંતરિક નિર્ણયો અને સંગઠનાત્મક ફેરફારોને લઈને સાયોની નારાજ હોવાનું સામે આવ્યું છે, જ્યારે સાયોની ઘોષના બળવાખોર તેવર સામે આવી રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે તૃણમૂલ કોંગ્રેસ નેતૃત્વ આ યુવા અને ફાયરબ્રાન્ડ નેતાને મનાવવામાં સફળ રહે છે કે પછી બંગાળના રાજકારણમાં કોઈ નવો વળાંક જોવા મળશે.
નારાજગીનું કારણ શું હતું?
પ્રશ્ન એ ઊભો થાય છે કે પાર્ટીએ સાયોની ઘોષને ટૂંકા ગાળામાં આટલું બધું આપ્યું હતું, તો તેમની નારાજગીનું કારણ શું હતું? અહેવાલ છે કે સાયોની ઘોષ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં તેમના ભવિષ્યને લઈને ખૂબ જ નારાજ હતા. તેમની પ્રાથમિક ફરિયાદ એ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે વિપક્ષી પક્ષો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવ્યા ત્યારે પાર્ટીના ટોચના નેતૃત્વએ ખુલ્લેઆમ તેમનું સમર્થન કર્યું ન હતું.
તે સમયગાળા દરમિયાન તેઓ સંપૂર્ણપણે એકલા અને લાચાર અનુભવતા હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે પાર્ટીએ તેમને તેમના ચૂંટણી પ્રચારને ટૂંકા કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેનાથી તેમનો રોષ અને ગુસ્સો વધુ ભડક્યો હતો. જોકે, સાયોની ઘોષ કે ટીએમસીએ અત્યાર સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.