Wed Jun 10 2026

Logo

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: વિવાદો વચ્ચે પરિમલ નથવાણીનું ફોર્મ મંજૂર, ત્રિપાંખિયો જંગ જામશે

2026-06-10 17:48:08
Author: Vimal Prajapati
Article Image

કોંગ્રેસના તમામ વાંધાઓ રિટર્નિંગ ઓફિસરે ફગાવ્યા; વૈદ્યનાથ રામ, પ્રણવ ઝા અને પરિમલ નથવાણી વચ્ચે મુકાબલો

રાંચીઃ ઝારખંડ રાજ્યસભા ચૂંટણીની બે બેઠક માટે ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીના નામાંકનને સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. અગાઉ તેમના ઉમેદવારી પત્રમાં કથિત રીતે ત્રણ મુદ્દાઓ પર વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, જેના કારણે વિધાનસભાના પ્રભારી સચિવ અને રિટર્નિંગ ઓફિસર રંજીત કુમારે તેમનું ફોર્મ થોડા સમય માટે હોલ્ડ પર રાખ્યું હતું. પરંતુ હવે તમામ ચકાસણી બાદ મંજૂરી આપી છે. 

સ્પષ્ટતા કર્યા બાદ મળી મોટી રાહત

નામાંકન હોલ્ડ પર મુકાયા બાદ પરિમલ નથવાણી પાસે સંબંધિત મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગવામાં આવી હતી. નથવાણી દ્વારા આપવામાં આવેલા જવાબોથી રિટર્નિંગ ઓફિસર સંતુષ્ટ થયા હતા, જેના આધારે તેમનું ઉમેદવારી પત્ર કાયદેસર જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કોંગ્રેસ પક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા તમામ વાંધાઓને રિટર્નિંગ ઓફિસરે ફગાવી દીધા છે.

પરિમલ નથવાણીનું ફોર્મ માન્ય થતાં હવે ઝારખંડની બે બેઠક માટેની ચૂંટણીના મેદાનમાં વૈદ્યનાથ રામ (જેએમએમ-JMM ઉમેદવાર), પ્રણવ ઝા (કોંગ્રેસ ઉમેદવાર) અને પરિમલ નથવાણી (ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર) એમ ત્રણ ઉમેદવારો વચ્ચે મુકાબલો જામશે. 

કોંગ્રેસે કેમ કર્યો હતો વિરોધ?

પરિમલ નથવાણીના નામાંકન અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે, તેઓ દિલ્હીથી રાંચી કોંગ્રેસનો પક્ષ મજબૂતીથી રજૂ કરવા આવ્યા હતા, પરંતુ તેઓ બપોરે 12:30 વાગ્યે પહોંચ્યા ત્યાં સુધીમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ વિષય પર તમામ પક્ષોને પૂરતા પ્રમાણમાં સાંભળવામાં આવ્યા છે.

કોંગ્રેસ તરફથી હાજર રહેલા વકીલ સુરેન્દ્ર સિંહ ચૌહાણે આક્ષેપ કર્યો હતો કે પરિમલ નથવાણીના દસ્તાવેજોમાં ઘણી ખામીઓ હતી. ઉમેદવારોના નામમાં પણ વિસંગતતા હતી, જ્યાં 'પરિમલ નથવાણી'ને બદલે 'નથવાણી પરિમલ' લખવામાં આવ્યું હતું. 

વધુમાં કહ્યું કે, ચૂંટણી સંચાલન નિયમો, 1961' ના નિયમ 4A હેઠળ સબમિટ કરવાના ફોર્મ-26 માં ઉમેદવારે પોતાની, પત્નીની અને આશ્રિતોની સંપત્તિની વિગતો આપવાની હોય છે. પરંતુ નથવાણીના એફિડેવિટમાં ઘણી કોલમ ખાલી છોડી દેવામાં આવી હતી. આ જ આધાર પર કોંગ્રેસે ફોર્મને કાયદાકીય રીતે અમાન્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતી, જેને રિટર્નિંગ ઓફિસરે ફગાવી દીધી છે.

વિધાનસભાનું ગણિત કોના પક્ષમાં?

ઝારખંડ વિધાનસભાના વર્તમાન રાજકીય સમીકરણો પર નજર કરીએ તો, શાસક ગઠબંધન (જેએમએમ અને કોંગ્રેસ) પાસે 56 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ આંકડાના આધારે શાસક ગઠબંધન બંને બેઠકો સરળતાથી જીતી શકે તેવી સ્થિતિમાં દેખાય છે. જો કે, પરિમલ નથવાણીની એન્ટ્રીથી આ ચૂંટણી મુકાબલો ઘણો રસપ્રદ બની ગયો છે અને રાજકીય વર્તુળોમાં ક્રોસ વોટિંગની શક્યતાઓને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે, જ્યારે બીજી તરફ, વિપક્ષ એનડીએ (NDA) પાસે માત્ર 24 ધારાસભ્યો છે. 

આવી સ્થિતિમાં પરિમલ નથવાણીને જીતવા માટે વધારાના મતોની જરૂર પડશે. રાજકીય વિશ્લેષકોના મતે, આ ચૂંટણીનું પરિણામ મોટે ભાગે પ્રાથમિકતા મતો અને જુદા જુદા પક્ષોના ધારાસભ્યોની આખરી વ્યૂહરચના પર નિર્ભર રહેશે.