Wed Sep 16 2026

Logo

ગુજરાતમાં ઉનાળુ વેકેશન દરમિયાન એસ.ટી. નિગમે 19,200 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કર્યું

2026-06-10 19:01:47
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં ઉનાળુ વેકેશન દરમિયાન એસ.ટી. નિગમે 19,200 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કર્યું

ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ભારે ટ્રાફિક અને ધસારાને ધ્યાને લઈ મુસાફરોને વિવિધ ધાર્મિક તથા ફરવાલાયક સ્થળોએ જવા-આવવા માટે પૂરતી પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી  એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે 19,200 જેટલી વિશેષ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઉનાળાના વેકેશન 2026માં 9.60 લાખ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો છે. 

વિવિધ સ્થળોએ વધારાની ટ્રીપનું આયોજન 

એસ.ટી. નિગમ દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગોધરા જેવા જિલ્લાઓ, ધાર્મિક અને પ્રવાસન સ્થળો સોમનાથ, દ્વારકા, પાવાગઢ, શામળાજી, અંબાજી જેવા વિવિધ સ્થળોએ વધારાની ટ્રીપનું આયોજન કરાયું હતું. 

મુસાફરોની સંખ્યામાં દૈનિક 15,000 સુધીનો વધારો થયો

રાજ્યના નાગરિકો જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરે અને તેઓની મુસાફરી વધુ સુવિધાજનક બને તેવા શુભ આશય સાથે સરકાર દ્વારા રાજ્યની પરિવહન સેવાઓમાં વધારો કરીને ૩૦૦ નવીન બસો તાત્કાલિક અસરથી પ્રજાની સેવામાં મુકવામાં આવી હતી. જાહેર પરીવહનનો ઉપયોગ કરવાની વડાપ્રધાનની અપીલના પરીણામે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત બસોમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં દૈનિક 15,000 સુધીનો વધારો થયો છે. 

દરરોજ 27 લાખથી પણ વધુ મુસાફરો 

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા દૈનિક 7,000 થી વધુ શિડ્યુલ અને 33,000 ટ્રીપો મારફતે આશરે 33.00  લાખ કિલોમીટરનું સફળ સંચાલન કરવામાં આવે છે. જેના દ્વારા દરરોજ 27 લાખથી પણ વધુ મુસાફરોને સમયસર અને સલામત પરિવહન સેવા મળી રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં સફળતાપૂર્વક સંચાલિત

નાગરિકોની સુખાકારી માટે કાર્યરત આ નવીન વાહનો રાજ્યના તમામ મુખ્ય કેન્દ્રો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, મહેસાણા, પાલનપુર, અંબાજી, પાદરા, ડભોઈ, ઝાલોદ, સંતરામપુર, ગોધરા, દાહોદ, અમરેલી, બગસરા, ભુજ, સાવરકુંડલા, અંજાર, પોરબંદર, લુણાવાડા, છોટાઉદેપુર, બોટાદ, મોરબી, હિંમતનગર, મોડાસા, નવસારી, થરાદ, ડીસા, નડિયાદ, અંકલેશ્વર, પ્રાંતિજ જેવા વિવિધ શહેરી વિસ્તારો તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં સફળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યા છે.