Thu Oct 01 2026

Logo

રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલના પેથોલોજી ટેન્ડરમાં નિયમોનું છડેચોક ઉલ્લંઘન,  કરોડોની ગંભીર અનિયમિતતાનો આક્ષેપ

2026-06-10 15:48:00
Author: Pooja Shah
રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલના પેથોલોજી ટેન્ડરમાં નિયમોનું છડેચોક ઉલ્લંઘન,  કરોડોની ગંભીર અનિયમિતતાનો આક્ષેપ

અમદાવાદઃ ફરીવાર રાજકોટની વધુ એક હૉસ્પિટલ વિવાદોમાં આવી છે. શહેરની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલ ખાતેની પેથોલોજી લેબ સેવાઓની ટેન્ડર ફાળવણીમાં ગંભીર અનિયમિતતાઓ અને નિયમોના ઉલ્લંઘનનો સનસનાટીભર્યો આક્ષેપ થયો છે. આ આક્ષેપ કૉંગ્રેસના નેતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય લાખાણી અને  કૃષ્ણદત્ત રાવલ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે આ અંગે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયા તેમ જ ગાંધીનગરના આરોગ્ય વિભાગના અધિક નિયામકને લેખિત ફરિયાદ મોકલી હોવાનું જણાવ્યું હતું.
 
તેમની ફરિયાદ અનુસાર હૉસ્પિટલમાં દાખલ થતા દરદીઓનો ખર્ચ ભલે સરકાર ભોગવતી હોય, પરંતુ ઓપીડી સેવાઓ માટે આવતા દરદીઓએ પોતાના ખિસ્સામાંથી નાણા ચૂકવવા પડે છે. હાલમાં જે ટેન્ડર અનુસાર કામ થઈ રહ્યું છે તે ઊંચા ભાવવાળું હોવાથી ગરીબ અને શ્રમિક દરદીઓએ સારવાર માટે આર્થિક બોજ સહન કરવો પડે છે.
 
તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચાર બીડરોમાંથી 'ડૉ. ભટ્ટ પેથોલોજી લેબોરેટરી' અને 'ડેલ્ટા ડાયગ્નોસ્ટિક લેબોરેટરી' સ્વતંત્ર નથી. ડેલ્ટા એ ડૉ. ભટ્ટ લેબની સબસિડીયરી હોવાની અને તેના રિપોર્ટ ડૉ. ભટ્ટના લેટરહેડ પર જ આવતા હોવાની આશંકા છે, જે કૉમ્પિટિશન એક્ટ- 2002 હેઠળ 'બીડ-રિગિંગ'નો ગુનો બને છે.
 
​તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે મૂળ એક વર્ષનો કરાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં ડૉ. ભટ્ટ લેબ પાસેથી સેવાઓ ચાલુ રખાઈ છે, જે જનરલ ફાયનાન્સિયલ રૂલ્સનું ઉલ્લંઘન છે, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
 
આરટીઆઈ ​કાર્યકરોએ માંગ કરી હતી કે આ સમગ્ર મામલાની સ્વતંત્ર સમિતિ દ્વારા તાત્કાલિક તપાસ થાય, બંને લેબના એમસીએ, જીએસટીઆઈએન અને એનએબીએલ રેકોર્ડ તપાસવામાં આવે અને વર્તમાન ટેન્ડર રદ કરી તાત્કાલિક નવેસરથી પારદર્શક ખુલ્લું ટેન્ડર બહાર પાડવામાં આવે. આ સાથે તેમણે ચીમકી આપી હતી કે જો 30 દિવસમાં આ અંગે સરકાર સક્રિયપણે પગલાં લેશે નહીં તો આ મુદ્દો વિજિલન્સ કમિશન, લોકાયુક્ત, એસીબી, સીસીઆઈ અને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી મારફતે પડકારવામાં આવશે. આ અંગે પીડીયુના સૂત્રો સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.