Tue Aug 25 2026

Logo

નહેરુ અને પીએમ મોદી વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં: શરદ પવાર

2026-06-10 19:50:16
Author: Vipul Vaidya
નહેરુ અને પીએમ મોદી વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં: શરદ પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એનસીપી (એસપી)ના વડા શરદ પવારે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જવાહરલાલ નહેરુ સાથે સરખામણી કરવા સામે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે ભારતીયો ભૂતપૂર્વ વડા પ્રધાનના બલિદાન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ભૂલી શકે નહીં.

તેમની પાર્ટીના 27મા સ્થાપના દિવસ પર બોલતા પવારે એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડા પ્રધાન બન્યા છે અને એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે કે તેમના જેવો બીજો કોઈ નેતા નથી.
‘રાષ્ટ્ર નિર્માણ અને સ્વતંત્રતા સંગ્રામમાં નહેરુના યોગદાનને ભૂલી શકાય નહીં અને તેનું સન્માન કરવું જોઈએ,’ એમ પવારે કહ્યું હતું. 

‘તેમની તુલના બીજા કોઈ સાથે કરી શકાય નથી. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન નહેરુએ ઘણા વર્ષો જેલમાં વિતાવ્યા હતા,’ એમ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું. પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બનવાનો ઉલ્લેખ કરતાં પવારે જણાવ્યું હતું કે, ‘તે સારું છે. સંસદીય લોકશાહીમાં, વડા પ્રધાન એક બંધારણીય પદ છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ. પરંતુ નહેરુ એ નહેરુ જ છે અને ભારતીયો તેમના બલિદાનને ભૂલી શકતા નથી.’

પવારે મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા ગિરીશ મહાજને ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પર શીખો પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો તે બદલ મહાજનની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આવું નિવેદન અસ્વીકાર્ય છે. ઓપરેશન બ્લુ સ્ટાર ઈન્દિરા ગાંધીનું બલિદાન હતું. શીખોએ સરહદો પર દેશની સુરક્ષા અને ખાદ્ય સુરક્ષા માટે કામ કર્યું છે. કેટલાક લોકોએ અલગ રસ્તો અપનાવ્યો. કેટલીક ઘટનાઓ બની અને ભૂલી શકાતી નથી. ઈન્દિરા ગાંધીએ ક્યારેય દેશની પ્રતિષ્ઠા અને સુરક્ષા સાથે સમાધાન કર્યું નહોતું. 

મહાજને ઓપરેશન બ્લુ સ્ટારને ‘કાળો દિવસ’ ગણાવીને અને 1984ની સૈન્ય કાર્યવાહીને અફઘાન શાસક અહમદ શાહ અબ્દાલી દ્વારા કરવામાં આવેલા આક્રમણ સાથે સરખાવીને રાજકીય વિવાદ ઊભો કર્યો હતો, જેને પગલે વિરોધ પક્ષોએ તેમને બરતરફ કરવાની માગણી કરી હતી. 

ઓપરેશન બ્લુ સ્ટારને શીખ સમુદાયના પવિત્ર તીર્થસ્થાન પર ‘લશ્કરી હુમલો’ ગણાવતા, મહાજને આરોપ લગાવ્યો કે તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ બળજબરીથી પંજાબ અને પવિત્ર સંકુલની અંદર સેના મોકલી હતી.