અમદાવાદઃ વર્ષ 2025માં થયેલા એર ઈન્ડિયાના પ્લેનક્રેશને આવતીકાલે એક વર્ષ પૂર્ણ થશે. આ અત્યંત ગોઝારા અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. રૂપાણીનાં દીકરી રાધિકા મિશ્રાએ ટાટા સન્સ અને એર ઈન્ડિયા ચેરપર્સન એન.ચંદ્રશેખરને ઈમેલ લખ્યો હતો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તપાસ પૂરી થયા પહેલા જ એરલાઇન્સ પીડિત પરિવારોને અંતિમ સેટલમેન્ટ સાઈન કરવા માટે દબાણ કરી રહી છે.
મીડિયા અહેવાલો અનુસાર તેમનાં આક્ષેપ બાદ એરલાઈન્સે સ્પષ્ટતા કરી હતી કે , અકસ્માતનો ભોગ બનેલા પરિવારો પર વળતર સ્વીકારવા માટે કોઈ દબાણ કરવામાં આવી રહ્યું નથી કે કોઈ ડેડલાઈન નક્કી કરવામાં આવી નથી. પરિવારો ઈચ્છે તો અંતિમ તપાસ અહેવાલ બહાર ન આવે ત્યાં સુધી રાહ જોઈ શકે છે.
મીડિયા અહેવાલ અનુસાર તેમણે જણાવ્યું હતું કે અમે સન્માનપૂર્વક સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે કોઈ પણ પરિવાર પર કોઈ સમયમર્યાદામાં વળતર સ્વીકારવાનું દબાણ કરવામાં આવ્યું નથી. જે પરિવારો તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી રાહ જોવા માંગે છે, તેઓ તેમ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. અમુક પરિવારો અહેવાલ પહેલા વળતર ઈચ્છતા હતા, તેથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમણે અમુક પ્રક્રિયાઓ નિયમોને આધિન હોવાનું જણાવ્યું હતું અને ભવિષ્યમાં કોઈ કાનૂની પ્રશ્નો ઊભા ન થાય તે માટે પ્રક્રિયાઓ અનુસરવામાં આવી હોવાની સ્પષ્ટતા કરી હતી.