Sun Sep 06 2026

Logo

"શાંતિથી આંદોલન કરે તો સરકાર સાંભળતી નથી, ઉગ્ર કરે તો...." ખેડૂત આંદોલન મુદ્દે ગોપાલ ઇટાલિયાનો CMને પત્ર

2026-06-29 18:13:50
Author: Devayat Khatana
"શાંતિથી આંદોલન કરે તો સરકાર સાંભળતી નથી, ઉગ્ર કરે તો...." ખેડૂત આંદોલન મુદ્દે ગોપાલ ઇટાલિયાનો CMને પત્ર

ગાંધીનગર: મોરબી જિલ્લામાં છેલ્લા દોઢેક અઠવાડિયાથી ખેડૂતો તેમના ખાનગી વીજ કંપની દ્વારા ખેતરમાં નાખવામાં આવી રહેલા થાંભલાઓના વિરોધમાં આંદોલન પર કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને પૂર્ણ કરવા માટે સામાજિક આગેવાનો પણ આગળ આવી ચૂક્યા છે, જોકે હજુ સુધી તેના સુખદ અંતના કોઈ અહેવાલ મળ્યા નથી ત્યારે હવે ખેડૂતોના આંદોલન મામલે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ મામલે પત્ર લખ્યો છે. 

ગોપાલ ઇટાલિયાએ લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતભરનાં અનેક ખેડૂતો હાલમાં પ્રાઇવેટ વીજળી કંપનીનાં થાંભલાઓ ખેતરમાં નાખવામાં આવે છે તે મુદ્દે પોતાના વિવિધ પ્રશ્નોને લઈને ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. મોરબીના જેતપર ગામે છેલ્લા 12  દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને શાંતિપૂર્ણ રીતે માંગણીઓ મૂકી રહ્યા છે. આ સિવાય કોંઢમાં, સાણંદનાં દરેડમાં, વઢવાણનાં નગરામાં, કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો આ વીજળીના થાંભલાનાં મુદ્દે સરકારની નીતિનો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે.

તેમણે સરકાર પર આક્ષેપ કર્યો છે કે શાંતિપૂર્વક ઉપવાસ કરનારા મોરબીના ખેડૂતોને સરકારે મળવા બોલાવ્યા નથી કે ખેડૂતોની સાથે વાતચીત કરવાનો સરકરે પ્રયત્ન કર્યો નથી. જો ખેડૂતો પોતાની જમીન ગુમાવવાના દુ:ખ સાથે આક્રોશમાં આવીને બોલે તો તમારી સરકાર એમ કહે છે કે, આંદોલન ઉગ્ર હોવું જોઈએ નહિ અને જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી, તો હવે ખેડૂતોએ શું કરવું?

આગળ તેમણે રાજ્ય સરકારને ભીંસમાં લેતા કહ્યું હતું કે,ચૂંટણી સમયે હિન્દુત્વનાં મુદ્દે મત મેળવ્યા પછી આપણા જ રાજ્યનાં હિન્દુ ખેડૂતોની વેદનાનો અવાજ ગાંધીનગર સુધી કેમ નથી પહોંચતો? મોરબીના કે ગુજરાતના હિન્દુ ખેડૂતોએ તમારી સરકારને મત નથી આપ્યા? તો પછી હવે જ્યારે હિન્દુ ખેડૂતોને સરકારની મદદની જરૂર છે ત્યારે સરકાર કંપનીની સાથે કેમ ઉભી છે? 
તેમણે રાજ્ય સરકારને સામે ચાલીને મોરબી સહીત તમામ ખેડૂતોને મળવા તેમજ શાંતિપૂર્વક આંદોલન કરતા ખેડૂતોના મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવા વિનંતી કરી હતી.