Mon Jun 29 2026

Logo

રાતના ચાર કલાકમાં ઉપનગરમાં ૧૦૦ મિલીમીટરથી વધુ વરસાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાચા

2026-06-29 22:00:30
Author: Sapna Desai
Article Image

Mumbai Rains 2026


પહેલી જુલાઈથી ત્રણ જુલાઈ સુધી મુંબઈ, થાણે, પાલઘરમાં ઓરેન્જ અલર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: જૂન મહિનો લગભગ પૂરો થવાનો છે ત્યારે સોમવારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં રાતના માત્ર ચાર કલાક પડેલા મુશળધાર વરસાદમાં  ઉપનગરના અનેક વિસ્તારોમાં ૧૦૦ મીમી (ચાર ઈંચ)થી વધુ વરસાદ પડ્યો હતો અને તેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે આજે મુંબઈ, થાણે માટે યલો અલર્ટ તો પહેલી જુલાઈથી ત્રણ જુલાઈ માટે મુંબઈ સહિત થાણે, પાલઘર, રાયગઢ માટે ઓરેન્જ અલર્ટ આપીને ભારેથી અતિભારે વરસાદ પડવાનો અંદાજો વ્યક્ત કર્યો છે.

મુંબઈમાં ગયા અઠવાડેય બે દિવસ મુશળધાર વરસાદ પડયા બાદ પોરો ખાનારા વરસાદે સોમવારે રાતે ફરી જોરદાર એન્ટ્રી કરી હતી. રાતના લગભગ ૧૧ વાગ્યાથી મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. રાતના ફકત ચાર કલાક દરમ્યાન મુશળધાર પડીને પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરના અનેક વિસ્તારોમાં સરેરાશ પાંચથી છ ઈંચ જેટલો વરસી ગયો હતો. તેની સામે દક્ષિણ મુંબઈમાં રાતના સમયે વરસાદનું જોર થોડું હળવું રહ્યું હતું. વહેલી સવારના ચાર વાગ્યા બાદ વરસાદે બ્રેક લીધો હતો અને ત્યારબાદ સોમવાર બપોરથી ફરી મુંબઈ સહિત થાણે, નવી મુંબઈના વિસ્તારોમાં જોશભેર ત્રાટક્યો હતો.

પાલિકાએ આપેલા આંકડા મુજબ રવિવાર મોડી રાતના ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ભારે વરસાદ પડયો હતો, જેમાં વર્સોવામાં ૧૫૭ (સવા છ ઈંચ) જેટલો ભારે વરસાદ પડયો હતો, જેને કારણે અંધેરી સબ-વે પર પાણી ભરાઈ ગયા. મરોલમાં ૧૦૮ મિ.મી. (સવા ચાર ઈંચ), ઓશિવરામાં ૧૦૮ મિ.મી. (સવા ચાર ઈંચ), મુલુંડમાં ૧૬૦ મિ.મી. (સાડા છ ઈંચ), માનખુર્દમાં ૧૨૩ મિ.મી. (પાંચ ઈંચ), પવઈમાં ૧૨૨ મિ.મી. (પાંચ ઈંચ), ભાંડુપમાં ૧૨૦ મિ.મી. (પાંચ ઈંચ), મુંબઈ સેન્ટ્રલમાં ૩૪ મિ.મી., મલબાર હિલમાં ૩૭ મિ.મી., દાદરમાં ૪૫ મિ.મી. તો માટુંગામાં ૫૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

સોમવારે  ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની ઓરેન્જ ચેતવણી છતાં, શહેરના મોટાભાગના ભાગોમાં દિવસ દરમિયાન માત્ર હળવાથી મધ્યમ વરસાદ જ પડ્યો, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યા હતો. આ અગાઉ રવિવારે મોડી રાત્રે ચોમાસું તીવ્રતા સાથે પાછું ફર્યું હતું, પરંતુ સમગ્ર મુંબઈમાં વરસાદ ખૂબ જ અસમાન રહ્યો. ઉપનગરોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, તેની દક્ષિણ મુંબઈમાં એટલે કે શહેરમાં માત્ર મધ્યમ સ્વરૂપનો વરસાદ જ પડ્યો હતો.  ૨૮ જૂન, રવિવાર  સવારે ૮ વાગ્યાથી ૨૯ જૂન, સોમવારના  સવારે ૮ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં સાંતાક્રુઝમાં સરેરાશ ૧૦૩ મિ.મી. અને કોલાબામાં ૩૦.૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

રવિવાર મધરાતથી સવારે ચાર વાગ્યા સુધી માનખુર્દ જેવા વિસ્તારોમાં ૧૨૩ મીમી, ત્યારબાદ પવઈમાં ૧૨૨ મીમી, ભાંડુપમાં ૧૨૦ મીમી અને મરોલ-ઓશિવારામાં ૧૦૮ મીમી વરસાદ નોંધાયો, તેની સરખામણીમાં દક્ષિણ મુંબઈમાં વરલીમાં સૌથી વધુ ૫૩ મીમી વરસાદ નોંધાયો હતો. 

ત્રણ દિવસ ઓરેન્જ અલર્ટ
દિવસ દરમ્યાન ૧૬ શોર્ટ સર્કિટ, ૧૭ વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો અને ઘર અને દિવાલ ધરાશાયી થવાના ત્રણ કેસ નોંધ્યા હતા. દરમિયાન હવામાન વિભાગે મંગળવાર માટે યલો અલર્ટ અને ત્યારબાદ પહેલીથી ત્રીજી જુલાઈ સુધી ઓરેન્જ અલર્ટ આપ્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે બપોરના ૧૨.૩૫ વાગે દરિયામાં ભરતી છે એ દરમ્યાન દરિયામાં ૪.૧૬ મીટર ઊંચા મોજાં ઉછળશે. જો આ સમયે ભારે વરસાદ પડયો તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે.

પૂર્વ ઉપનગરમાં  સરેરાશ સાડા ચાર ઈંચ વરસાદ
હવામાન વિભાગે આપેલા ડેટા મુજબ પૂર્વીય ઉપનગરોમાં સૌથી વધુ સરેરાશ ૧૧૩.૨૭ મી.મી. વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ પશ્ર્ચિમી ઉપનગરોમાં ૮૪.૨૭ મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે શહેરમાં ફક્ત ૩૭.૫૦ મીમી વરસાદ પડ્યો હતો. આ અગાઉ ગયા અઠવાડિયામાં પૂર્વીય ઉપનગરની સરખામણીમાં પશ્ર્ચિમ ઉપનગરમાં વરસાદનું જોર વધુ હતું. 
પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે અંધેરી સબવે ડૂબી ગયો હતો, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો, જ્યારે મુલુંડમાં એલબીએસ માર્ગ પર પાણી ભરાઈ જવાથી સવારની મુસાફરીમાં ભારે અવરોધ ઉભો થયો હતો. મુલુંડ, ભાંડુપ, ઘાટકોપર, મલાડ અને માલવાણી, અંધેરી પશ્ર્ચિમમાં પણ પાણી ભરાઈ ગયા હતા. 

મુંબઈમાં સરેરાશ માત્ર  ૧૪.૭૯ ટકા વરસાદ
મુંબઈમાં ૧૦ જૂનને બદલે આ વર્ષે લંબાઈ ગયેલા ચોમાસાએ ૨૪ જૂનના સત્તાવાર રીતે એન્ટ્રી કરી હતી. ગયા અઠવાડિયાથી શરૂ થયેલો વરસાદ અત્યાર સુધી માંડ સરેરાશ ૧૪.૭૯ ટકા પડ્યો છે, જેમાં ગયા વર્ષે મુંબઈમાં ૨૮ જૂન સુધીમાં કોલાબામાં ૫૮૫.૨ મિ.મી. વરસાદ પડયો હતો, તેની સામે આ વર્ષે આ સમયગાળામાં કોલાબામાં માત્ર ૪૦૯.૩ મિ.મી. વરસાદ નોંધાયો છે. તો ગયા વર્ષે આ સમયગાળામાં સાંતાક્રુઝમાં ૫૧૦.૪ મિ.મી. વરસાદ સામે આ વર્ષે માંડ ૩૮૮.૬ મિ.મી. વરસાદ પડયો છે.