રાજકોટઃ થોડા દિવસ પહેલા રાજકોટના શાપરમાં થયેલ 2.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. થોડા દિવસ પહેલા શાપર-વેરાવળમાં તસ્કરોએ એક વૃદ્ધને બંધક બનાવીને કરોડો રૂપિયાની લૂંટ ચલાવી હતી. હાલ પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 3 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ દરમિયાન પોલિસે 76.86 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને હાલ અન્ય પાંચ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લાના શાપરમાં રહેતા જિતેન્દ્રસિંહ જાડેજાના નિવાસસ્થાને થોડા દિવસ પહેલા એક મસમોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે હવે પોલીસને અંદાજે અઢી કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીકથી ત્રણ આરોપીઓ—બનસિંઘ ઉર્ફે બન્ના સિંગાડ, દિનેશ પરમાર અને સેતાન દિવાનની ધરપકડ કરી છે. આ લૂંટમાં 2.47 કરોડ રૂપિયાની રોકડ, બે લાખના સોનાના દાગીના અને 10 હજારની કિંમતની બાર બોરની રાઇફલનો સમાવેશ થતો હતો. હાલ પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર સહિત અન્ય પાંચ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ લૂંટ ચલાવ્યા બાદ તમામ મુદ્દામાલ અંદરોઅંદર વહેંચી લીધો હતો. જોકે, ઝડપાયેલા ત્રણ શખ્સો પાસેથી પોલીસે 43.18 લાખ રૂપિયા રોકડા, 21.22 લાખના ઘરેણાં, લૂંટમાં ગયેલી રાઇફલ, ગુનામાં વપરાયેલા હથિયારો અને એક બોલેરો કાર મળીને કુલ 76.78 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે આ કેસની તપાસમાં બહાર આવ્યું હતું કે, ઝડપાયેલા આરોપીઓના કેટલાક સંબંધીઓ અગાઉ શાપરમાં જિતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં કામ માટે રહેતા હતા, જેથી તેઓ જાણતા હતા કે વૃદ્ધ ઘરમાં એકલા રહે છે અને તેમની પાસે મોટી રોકડ રકમ છે. આ માહિતીના આધારે જ તેઓએ લૂંટનું કાવતરું ઘડ્યું હતું અને ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ ચોરેલા મોટરસાયકલ પર નાસી છૂટ્યા હતા.
આ જટિલ ગુનાને ઉકેલવા માટે રાજકોટ પોલીસે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ 20 અલગ-અલગ ટીમોની રચના કરીને તપાસ શરૂ કરી હતી. લૂંટારુઓ જે મોટરસાઇકલ પર ભાગ્યા હતા તેને પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત, સીસીટીવી ફૂટેજની ચકાસણી અને મોબાઈલ ટાવર ડમ્પના ડેટામાંથી શંકાસ્પદ નંબરો મેળવીને તેની ઓળખ કરવામાં આવી હતી. આ તમામ આધુનિક ટેકનોલોજી અને ટેક્નિકલ પુરાવાઓના આધારે પોલીસે આખો કેસ ઉકેલીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.