Thu Oct 01 2026

Logo

ઔડાના ડિરેક્ટર અને આઈબી અધિકારીની ઓખળ આપી છેતરપિંડી આચરી, 11 લોકો પાસેથી 24.50 લાખ ખંખેર્યાં

2026-09-05 17:38:44
Author: Vimal Prajapati
ઔડાના ડિરેક્ટર અને આઈબી અધિકારીની ઓખળ આપી છેતરપિંડી આચરી, 11 લોકો પાસેથી 24.50 લાખ ખંખેર્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ અમદાવાદમાં સસ્તા ભાવે મકાન આપી રૂપિયા ઠગવામાં આવતા હોવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. રાજેશ ઉર્ફે રાજભા બાબુલાલ રાઠોડ નામના આરોપીએ આ સમગ્ર છેતરપિંડી આચકી હતી. લોકોને છેતરવા માટે આરોપીએ પોતાની ઓળખ ઔડાના ડિરેક્ટર અને આઈબીના નિવૃત અધિકારી તરીકે આપતો હતો. આવી રીતે તેણે 11 લોકો પાસેથી 24.50 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. આરોપી રાજેશ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 

આરોપી રાજેશ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ઘટના એવી છે કે, મોટેરામાં રહેતી એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે આરોપીએ સોશિયલ મીડિયા મારફતે યુવતીને સંપર્ક કર્યો હતો. આરોપીએ યુવતીને સોશિયલ મીડિયામાં ફિલ્મોનું પ્રમોશન કરવા માટે અને આ ફિલ્મોમાં સોશિયલ મીડિયા પાર્ટનર બનવા માટે કહ્યું હતું. એટલું નહીં પરંતુ ઔડાના મકાનનો સસ્તા ભાવે એ પણ સરળતાથી અપાવવાનો દાવો કર્યો હતો. જેના માટે યુવતી પાસેથી આરોપીએ પહેલા એક લાખ રૂપિયા પડાવ્યાં હતાં.

સ્વિઝ બેંકમાં 3400 કરોડ રૂપિયા હોવાનું પણ જણાવ્યું

આરોપીએ યુવતીને વિશ્વાસમાં લેવા માટે ઔડાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પોતાનું નામ હોય તેવો એક નકલી દસ્તાવેજ પણ તૈયાર કર્યો હતો. આ સાથે પોતે પહેલા આઈબીમાં હોવાનું પણ જણાવ્યું હતું. યુવતીને વધારે વિશ્વાસ આવે તે માટે આરોપીએ સ્વિઝ બેંકમાં 3400 કરોડ રૂપિયા પડ્યાં હોવાના બેંકના નકલી સ્ટેટમેન્ટ પણ બતાવ્યાં હતાં. આવી રીતે આરોપીએ કુલ 11 લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ટોકન આપ્યાં બાદ પણ જ્યારે મકાન ના મળ્યું ત્યારે સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.