Tue Sep 08 2026

Logo

મહાપાલિકાના લાઈસન્સ ખાતાના બે અધિકારી લાંચ લેતાં ઝડપાયા

2026-09-05 18:51:25
Author: Yogesh C. Patel
મહાપાલિકાના લાઈસન્સ ખાતાના બે અધિકારી લાંચ લેતાં ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાથગાડી અને ભંગારના લિલામ પછી ગોદામમાંથી સામાન કાઢી આપવા માટે ફરિયાદી પાસેથી 1.70 લાખ રૂપિયાની કથિત લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ મુંબઈ મહાનગરપાલિકાના લાઈસન્સ ખાતાના બે અધિકારી સામે કાર્યવાહી કરી હતી.એસીબી મુંબઈ યુનિટે રમેશ ગોપાળ સાળવે (57) અને વિજય સીતારામ ઠાકરે (30) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સાળવે પાલિકાની ચેમ્બુરમાં આવેલી એમ-પશ્ર્ચિમ વૉર્ડમાં લાઈસન્સ ખાતામાં સિનિયર ઈન્સ્પેક્ટર છે, જ્યારે ઠાકરે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ પદે કાર્યરત છે.

ફરિયાદ અનુસાર પાલિકા દ્વારા કરાયેલી કાર્યવાહી દરમિયાન જપ્ત હાથગાડી અને અન્ય સાધનો માહુલ વિસ્તારમાં આવેલા ગોદામમાં રાખવામાં આવ્યા હતા. લિલામ પછી હાથગાડી અને ભંગાર ગોદામમાંથી કાઢી ફરિયાદીને સુપરત કરવાની જવાબદારી સાળવે અને ઠાકરેની હતી. જોકે આ માટે સરકારી ફી સિવાય 1.70 લાખ રૂપિયાની ફરિયાદી પાસે માગણી કરાઈ હતી.ફરિયાદીને લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી એસીબીનો સંપર્ક સાધ્યો હતો.

1.70 લાખ રૂપિયામાંથી પહેલા હપ્તા કરીકે 80 હજાર રૂપિયા ચૂકવવાનું ઠાકરેએ કહ્યું હતું. એસીબીએ ચેમ્બુરમાં છટકું ગોઠવી ઠાકરેને લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડ્યો હતો. રકમ સ્વીકાર્યા પછી ઠાકરેએ સાળવે સાથે ફોન પર વાતચીત સુધ્ધાં કરી હતી. પરિણામે સાળવેને તેમની ઑફિસમાંથી તાબામાં લેવાયા હતા.