Tue Oct 20 2026

Logo

સ્પિનર દીપ્તિ શર્માએ આજના મુકાબલા પહેલાં પાકિસ્તાનને આપી દીધી આ ચેતવણી!

Dubai   2026-09-05 18:22:24
Author: Ajay Motiwala
સ્પિનર દીપ્તિ શર્માએ આજના મુકાબલા પહેલાં પાકિસ્તાનને આપી દીધી આ ચેતવણી!

દુબઈમાં રાત્રે 7.30 વાગ્યે ટૉસ અને 8.00 વાગ્યે મૅચનો આરંભ

દુબઈઃ મહિલાઓની એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારત જેટલી સફળતા બીજા કોઈ દેશે નથી મેળવી, પાકિસ્તાનને ભારતે કુલ 17માંથી 14 મૅચમાં હરાવ્યું છે અને આ ટૂર્નામેન્ટના ટી-20 ફૉર્મેટમાં ભારત (India) સામે પાકિસ્તાન (Pakistan) સાતમાંથી માત્ર એક મૅચ જીતી શક્યું છે એ જોતાં આજે (રાત્રે 8.00 વાગ્યાથી) રમાનારી મૅચમાં હરમનપ્રીત કૌરની ટીમ જબરદસ્ત આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઊતરશે અને ફાતિમા સનાની ટીમ માનસિક દબાણમાં રમશે. કટ્ટર હરીફ ટીમને ખાસ કરીને ભારતની સર્વોત્તમ સ્પિનર દીપ્તિ શર્માએ પાકિસ્તાન વિશે સવાલ પૂછાતાં કહ્યું છે કે `અમે હંમેશાં તેમનાથી એક ડગલું આગળ જ હોઈએ છીએ.'

પીટીઆઇના અહેવાલ મુજબ દીપ્તિએ કહ્યું, `એશિયા કપની મૅચ હોય કે બીજી કોઈ ટૂર્નામેન્ટની, અમે તેમનાથી ચડિયાતા જ રહીએ છીએ. તેમની સામે અમારા પર મનોવૈજ્ઞાનિક દબાણની કોઈ અસર નથી થતી. અમે તેમની સામે યોજનાનો બરાબર અમલ કરતા હોઈએ છીએ અને એટલે જ તેમની સામે આટલા બધા સફળ થયા છીએ.'

વન-ડેમાં પાકિસ્તાન સામે ભારત ક્યારેય નથી હાર્યું અને ટી-20માં ઑક્ટોબર, 2022 પછી ભારત એની સામે ક્યારેય પરાજિત નથી થયું. દીપ્તિ શર્મા આઇસીસી રૅન્કિંગ મુજબ ટી-20ની બોલર્સમાં ચોથા નંબરે છે, પરંતુ પાકિસ્તાનની લેફ્ટ-આર્મ સ્પિનર સાદિયા ઇકબાલ નંબર-વન છે.

દીપ્તિ શર્માએ ભારતની બીજી બે સ્પિનર શ્રી ચરની અને પ્રેમા રાવતના ખૂબ વખાણ કર્યા હતા. ભારતીય ટીમ એશિયા કપની સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે.