Tue Oct 20 2026

Logo

રમેશ પોવાર સિલેક્ટર બની ગયો એટલે પ્રજ્ઞાન ઓઝાની ચીફ સિલેક્ટરની ખુરસી સચવાઈ ગઈ! જાણો, કેવી રીતે...

2026-10-19 17:32:00
Author: Ajay Motiwala
રમેશ પોવાર સિલેક્ટર બની ગયો એટલે પ્રજ્ઞાન ઓઝાની ચીફ સિલેક્ટરની ખુરસી સચવાઈ ગઈ! જાણો, કેવી રીતે...

વસીમ જાફરને કમિટીમાં પ્રવેશ મળ્યો હોત તો તેને ચીફ સિલેક્ટર બનવા મળ્યું હોત

બેંગ્લૂરુઃ ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ-સ્પિનર રમેશ પોવાર (Ramesh Powar)ને બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા સોમવારે ટીમ ઇન્ડિયાની નૅશનલ સિલેક્શન કમિટીમાં સામેલ કરવામાં આવ્યો હતો અને પ્રજ્ઞાન ઓઝાને ચીફ સિલેક્ટરના કાર્યકારી હોદ્દા પર જાળવી રાખવામાં આવ્યો હતો એ સાથે ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે કે જો વસીમ જાફરને સિલેક્શન કમિટીમાં પશ્ચિમ ઝોનના મેમ્બર તરીકે રમેશ પોવારના સ્થાને પસંદ કરવામાં આવ્યો હોત તો જાફર જ ચીફ સિલેક્ટર બની ગયો હોત.

વાત એવી છે કે બીસીસીઆઇના નિયમ મુજબ સિલેક્શન કમિટીના પાંચમાંથી જે મેમ્બર ભારત વતી સૌથી વધુ ટેસ્ટ રમ્યો હોય તેને ચીફ સિલેક્ટરની ખુરસી મળે. પ્રજ્ઞાન ઓઝા 24 ટેસ્ટ રમ્યો હતો, જ્યારે વસીમ જાફરના નામે 31 ટેસ્ટ છે. જાફરે પણ પોવારની માફક પશ્ચિમ ઝોનના મેમ્બર તરીકે સિલેક્શન કમિટી માટે અરજી કરી હતી. જોકે કમિટીમાં જાફરને બદલે પોવારને સ્થાન અપાયું હતું. જો જાફરને કમિટીમાં આવવા મળ્યું હોત તો વધુ ટેસ્ટ મૅચો રમી હોવા બદલ પ્રજ્ઞાન ઓઝાને બદલે જાફરને આ કમિટીના અધ્યક્ષ બનવા મળ્યું હોત.

અજિત આગરકરની ચીફ સિલેક્ટર તરીકેની મુદત ચોથી ઑક્ટોબરે પૂરી થઈ એ સાથે તેના અનુગામીની શોધ શરૂ થઈ હતી અને હાલપૂરતું પ્રજ્ઞાન ઓઝાને એ અધ્યક્ષસ્થાન સોંપાયું છે. રમેશ પોવરની સિલેક્ટર તરીકેની પસંદગી બીસીસીઆઇની ક્રિકેટ ઍડવાઇઝરી કમિટી (સીએસી)આ કરી છે. સીએસીમાં ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમેન અશોક મલ્હોત્રા તથા જતીન પરાંજપેનો સમાવેશ છે. તેમણે સર્વાનુમતે પોવારને સિલેક્શન કમિટીમાં પ્રવેશ અપાવ્યો હતો.

48 વર્ષનો રમેશ પોવાર અગાઉ ભારતની મહિલા ક્રિકેટ ટીમનો હેડ-કોચ હતો. તે મુંબઈ તથા ગુજરાતની ટીમને પણ કોચિંગ આપી ચૂક્યો છે. તે બેંગ્લૂરુમાં બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સમાં પણ બોલિંગ-કોચ છે.

ટીમ ઇન્ડિયાની સિલેક્શન કમિટીમાં પ્રજ્ઞાન ઓઝા (ચીફ સિલેક્ટર), શિવસુંદર દાસ, આર. પી. સિંહ, અજય રાત્રા અને રમેશ પોવારનો સમાવેશ છે.