Mon Sep 07 2026

Logo

રાજસ્થાનથી ચાર યુવક પકડાયા: 61 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત

2026-09-05 18:59:04
Author: Yogesh D. Patel
રાજસ્થાનથી ચાર યુવક પકડાયા: 61 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત

પ્રતીકાત્મક તસવીર


થાણે: મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) રાજસ્થાનથી ચાર યુવકની ધરપકડ કરીને 61.35 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.કાશીમીરા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ થયા બાદ એએનસી યુનિટ-1ના અધિકારીઓએ તાજેતરમાં આ કાર્યવાહી કરી હતી. 

મળેલી માહિતીને આધારે એએનસીની ટીમ રાજસ્થાન જવા માટે રવાના થઇ હતી અને બાલોતરા જિલ્લામાં પતોડી તાલુકાના નવોરા બેરા ખાતેથી ચાર જણને તાબામાં લીધા હતા. તેમની પાસેથી 61.35 લાખ રૂપિયાનું 2.045 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું હતું. પોલીસે વાહન પણ જપ્ત કર્યું હતું, જેની કિંમત 21 લાખ રૂપિયા છે.

ધરપકડ કરાયેલા ચારેય જણની ઓળખ કમ્મે મોબિન ખાન, નરેન્દ્રકુમાર ધનારામ બાંગદ્વા, અશોકકુમાર માંગીલાલ દાદી, વિર્ધારામ દેવારામ દેવાસી તરીકે થઇ હતી. દરમિયાન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલની ટીમે શુક્રવારે રાતે વર્સોવા વિસ્તારમાંથી 64.60 લાખ રૂપિયાનું હેરોઇન પકડી પાડીને બે જણની ધરપકડ કરી હતી. 

વર્સોવા વિસ્તારમાં બે વ્યક્તિ ડ્રગ્સ વેચવા આવવાની હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમે રાતે છટકું ગોેઠવ્યું હતું અને બે શકમંદને તાબામાં લીધા હતા. તેમની તલાશી લેવામાં આવતાં 323 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું.