Wed Sep 02 2026

Logo

હવે બેરોકટોક મળશે પેટ્રોલ-ડીઝલ, કેન્દ્ર સરકારે તમામ હંગામી પ્રતિબંધો હટાવ્યા

2026-06-29 21:29:18
Author: Mumbai Samachar Team
હવે બેરોકટોક મળશે પેટ્રોલ-ડીઝલ, કેન્દ્ર સરકારે તમામ હંગામી પ્રતિબંધો હટાવ્યા

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાથી પેટ્રોલ-ડીઝલને લઈ આવી રહેલી મુશ્કેલીઓનો અંત આવી ગયો છે. સરકારે ઇંધણના વેચાણ અને વિતરણમાં લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવ્યાં છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણમાં લગાવવામાં આવેલા હંગામી પ્રતિબંધો પાછા ખેંચી લેવાને કારણે વપરાશકર્તાઓએ રાહતનો દમ લીધો છે.

સરકારે બુધવાર પહેલી જુલાઈથી પેટ્રોલ અને ડીઝલના કમર્શિયલ ગ્રાહકો માટેના વેચાણ પરના પ્રતિબંધો હટાવશે. નવી દિલ્હીમાં જારી કરવામાં આવેલા આદેશ મુજબ ઇંધણના પુરવઠાની સ્થિતિમાં સુધારો થતા સરકાર દ્વારા લેવામાં આવેલા આ કટોકટીના પગલાંને પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય સાથે, રિટેલ ફ્યુઅલ સ્ટેશનો પર એક જ વાહન માટે ડીઝલના જથ્થા પરની મર્યાદા પણ સમાપ્ત થઈ જશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ૨૯ જૂનના રોજ એક આદેશ જારી કરીને ૧૨ જૂનનો પોતાનો નિર્દેશ રદ કર્યો છે, જેમાં રિટેલ આઉટલેટ્સ પર ડીઝલના વેચાણને ૨૦૦ લિટર પ્રતિ દિવસ સુધી મર્યાદિત કરવામાં આવ્યું હતું અને ઔદ્યોગિક, વ્યાપારી તથા સંસ્થાકીય ગ્રાહકોને રિટેલ આઉટલેટ્સમાંથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સરકારે જણાવ્યું છે કે ગલ્ફ દેશોમાંથી ક્રૂડ ઓઈલ અને ઇંધણનો પુરવઠો સુધર્યો છે અને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જહાજોની અવરજવર સામાન્ય થતાં આ પ્રતિબંધોને હટાવવા જરૂરી બન્યા છે. 

અગાઉ પશ્ચિમ એશિયામાં તણાવને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં વિક્ષેપ પડ્યો હતો અને ઇંધણના રિટેલ તથા બલ્ક ભાવમાં મોટો તફાવત હોવાને કારણે રિટેલ આઉટલેટ્સ પર માંગ અસાધારણ રીતે વધી ગઈ હતી, જેના કારણે સરકારે આ કામચલાઉ પ્રતિબંધો લાદ્યા હતા. હવે પુરવઠાની સ્થિતિ સામાન્ય હોવાથી પહેલી જુલાઈ, ૨૦૨૬થી આ તમામ નિયંત્રણો દૂર કરી દેવામાં આવશે.