Tue Jun 30 2026

Logo

પંજાબમાં ધર્મનિંદા કાયદા મુદ્દે વાંધાઓ એક મહિનામાં દૂર કરવા અકાલ તખ્તનો આદેશ

2026-06-29 22:42:24
Author: Chandrakant Kanoja
Article Image

(File)PTI


ચંદીગઢ: પંજાબ સરકારે વિધાનસભામાં મંજૂર કરેલા ધર્મનિંદા કાયદા મુદ્દે અકાલ તખ્ત સાહિબે કડક વલણ અપનાવ્યું છે. આ અંગે આજે શ્રી  અકાલ તખ્ત સાહિબ ખાતે સુનાવણી યોજાઈ હતી. જેમાં સરકારને તમામ વાંધાઓ દૂર કરવા એક મહિનાનો સમય આપ્યો છે. જ્યારે આપના શીખ મંત્રીઓ અને ધારાસભ્યો પણ ખુલ્લા પગે શ્રી અકાલ તખ્ત સાહિબ પહોંચ્યા અને લેખિત સમજૂતી રજૂ કરી હતી. 

સુધારા ન થાય ત્યાં સુધી કાયદાનો અમલ ન કરવો જોઈએ

આ સુનાવણી બાદ જથ્થેદાર કુલદીપ સિંહ ગડગજે પંજાબ સરકારને એક મહિનાનો સમય આપ્યો છે. જથ્થેદારે  જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન  કાયદા અંગેના તમામ વાંધાઓનો ઉકેલ લાવવો પડશે.તેમણે વધુમાં નિર્દેશ આપ્યો કે જ્યાં સુધી જરૂરી સુધારા ન થાય ત્યાં સુધી કાયદાનો અમલ ન કરવો જોઈએ.

સુધારાઓ પંજાબ વિધાનસભાના અધ્યક્ષને મોકલવામાં આવશે

નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે જથ્થેદાર દ્વારા પ્રસ્તાવિત સુધારાઓ પંજાબ વિધાનસભાના અધ્યક્ષને મોકલવામાં આવશે. સુધારાઓ પ્રાપ્ત થયા બાદ  સરકાર અને ધારાસભ્યો તેનો વિગતવાર અભ્યાસ કરશે અને એક મહિનાની અંદર નિર્ણય લેશે.

શ્રી અકાલ તખ્ત સાહેબના સૂચનોનું સંપૂર્ણ સન્માન કરશે

આ બેઠક બાદ  આપ  મંત્રીઓ અને ધારાસભ્યોએ શ્રી અકાલ તખ્ત સાહેબ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ જથ્થેદાર દ્વારા કરવામાં આવેલા સૂચનોનું સંપૂર્ણ સન્માન કરશે અને આગળની કાર્યવાહી ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભગવંત માનના નિવેદન પર સવાલ 

આ અગાઉ જથ્થેદાર મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા આપવામાં આવેલા બે જાહેર નિવેદનોને ટાંકીને પ્રશ્નો ઉઠાવ્યા હતા. પહેલો પ્રશ્ન મુખ્યમંત્રીના નિવેદન અંગે હતો કે જો કોઈ વ્યક્તિ અપવિત્ર કૃત્ય કરે છે  તો તેના માતાપિતા અથવા વાલીઓને સજા કરવામાં આવશે. જથ્થેદાર પૂછ્યું કે શું કાયદામાં આવી કોઈ જોગવાઈ છે. કૃષિ મંત્રી ગુરમીત સિંહ ખુદિયાન આનો સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં.