'ગગન' નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરીને ઉદયપુર એરપોર્ટ પર કર્યું ઐતિહાસિક લેન્ડિંગ
નવી દિલ્હી: ભારતના ઉડ્ડયન ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાયો છે. 27 જૂનના રોજ ઈન્ડિગોનું A320 જેટ વિમાન ભારતની પોતાની સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ 'ગગન' (GAGAN)નો ઉપયોગ કરીને સફળતાપૂર્વક લેન્ડિંગ કરનાર દેશનું પ્રથમ પેસેન્જર જેટ બન્યું હતું.
ઉદયપુર એરપોર્ટ પર થયેલા આ ઐતિહાસિક લેન્ડિંગમાં વિમાને એલપીવી (Localiser Performance with Vertical Guidance) ટેકનિકનો ઉપયોગ કર્યો હતો, જે પાઇલટને 3D નેવિગેશન માર્ગદર્શન પૂરું પાડે છે. આ પહેલા માત્ર નાના ટર્બોપ્રૉપ વિમાનો જ આ સિસ્ટમથી લેન્ડ થયા હતા, પરંતુ કોઈ મોટા કમર્શિયલ પેસેન્જર જેટે આ સિદ્ધિ મેળવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
શું છે ગગન નેવિગેશન સિસ્ટમ?
'ગગન' નું પૂરું નામ 'GPS Aided GEO Augmented Navigation' છે, જેને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. આ સિસ્ટમ ઇસરોના GSAT-8 અને GSAT-10 ઉપગ્રહોની મદદથી કામ કરે છે. ગગનએ કોઈ સ્વતંત્ર જીપીએસ સિસ્ટમ નથી, પરંતુ તે સામાન્ય જીપીએસમાંથી મળતી માહિતીને વધુ સચોટ અને સુરક્ષિત બનાવે છે.
સામાન્ય મોબાઈલ જીપીએસમાં થોડા મીટરની ભૂલ ચાલી શકે છે, પરંતુ જ્યારે 70 ટન વજન ધરાવતું વિમાન ખરાબ વાતાવરણમાં લેન્ડ થતું હોય ત્યારે આવી નાની ભૂલ પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે, તેથી જ આ અત્યંત સચોટ સિસ્ટમ અનિવાર્ય બને છે.
આ સિસ્ટમની કામ કરવાની રીતે અંગે વાત કરીએ તો, સમગ્ર ભારતમાં ગગન માટે 15 ખાસ ગ્રાઉન્ડ સ્ટેશન સ્થાપવામાં આવ્યા છે. આ સ્ટેશનો સતત એ બાબતની ખરાઈ કરે છે કે GPS દ્વારા મળતી લોકેશનની માહિતી સાચી છે કે નહીં.
જો GPS ડેટામાં કોઈ ખામી જણાય, તો કંટ્રોલ સેન્ટર તુરંત જ તેમાં સુધારો કરીને સેટેલાઇટ દ્વારા પાઇલટ સુધી સચોટ માહિતી પહોંચાડે છે અને સિગ્નલ નબળા હોય તો ગણતરીની સેકન્ડોમાં પાયલટને ચેતવણી પણ આપે છે. અહી એ ખાસ નોંધવું પડે કે ભારતની જ અન્ય સિસ્ટમ 'NavIC' GPSની જેમ લોકેશન બતાવવાનું કામ કરે છે, જ્યારે 'ગગન' GPSના સિગ્નલને સુધારીને વિમાનના સુરક્ષિત લેન્ડિંગ અને ટેક-ઓફમાં મદદ કરે છે.
આ સફળતા સાથે ભારત વિશ્વના એવા ગણતરીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે આવી હાઈટેક સેટેલાઇટ-આધારિત નેવિગેશન સિસ્ટમ છે. આ ટેકનોલોજીના કારણે હવે દેશના નાના અને નવા એરપોર્ટ પર મોંઘા રેડિયો ઉપકરણો લગાવ્યા વિના પણ ખરાબ વાતાવરણમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવી શકાશે. તેનાથી વિમાનોને હવામાં વધારે સમય સુધી ચક્કર નહીં લગાવવા પડે, જેથી ઇંધણની મોટી બચત થશે અને એરપોર્ટ નિર્માણનો ખર્ચ પણ ઘટશે.