Mon Jun 29 2026

Logo

આ રાજ્યમાં OBC અનામત 17% થી ઘટાડીને સીધી 7% કરાઈ! 113 જાતિઓને યાદીમાંથી કરી નાખી દૂર

2026-06-29 22:10:49
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભાએ  રાજ્યમાં અન્ય પછાત વર્ગ (OBC)  હેઠળના સમુદાયોના આરક્ષણ સંબંધિત તૃણમૂલ કોંગ્રેસ સરકારના 2012ના અધિનિયમમાં સુધારો કરતા બે બિલ પસાર કર્યા છે. 'પશ્ચિમ બંગાળ પછાત વર્ગ (સુધારો) બિલ, 2026' અને 'પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ (સુધારો) બિલ, 2026' હેઠળ, કલકત્તા હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરીને આરક્ષણ માળખું 17 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યું છે. આ નવા સુધારા સાથે 66 જેટલા સમુદાયોને ઓબીસી કેટેગરી હેઠળ અનામત પૂરી પાડવામાં આવી છે.

આ બિલ વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક બળવાખોર ધારાસભ્યોના વોકઆઉટ વચ્ચે પસાર કરવામાં આવ્યા હતા. ગૃહમાં કુલ 186 ધારાસભ્યોએ બંને બિલની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 17 ધારાસભ્યોએ વિરોધમાં મત આપ્યો હતો અને 6 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. 

પશ્ચિમ બંગાળના પછાત વર્ગ વિકાસ પ્રધાન ગૌરીશંકર ઘોષે બિલ રજૂ કરતા સ્પષ્ટતા કરી હતી કે સરકાર હાઈકોર્ટના નિર્દેશો મુજબ જ કામ કરી રહી છે અને આ સુધારા પાછળ કોઈ રાજકીય હેતુ નથી. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે અગાઉ કોઈપણ ક્ષેત્રીય સર્વેક્ષણ વિના સામેલ કરાયેલા 113 સમુદાયોને હટાવી દેવાયા છે, જ્યારે યોગ્ય સર્વેક્ષણો બાદ સામેલ કરાયેલા 66 પેટા-સમુદાયોને જાળવી રાખવામાં આવ્યા છે. પછાત વર્ગ આયોગ આ અંગે વધુ તપાસ કરશે અને જો ભવિષ્યમાં કોઈ સમુદાયને સામેલ કરવાની જરૂર જણાશે, તો તે રાજ્ય સરકારને ભલામણ કરી શકશે. 

ઉલ્લેખનીય છે કે, મે 2024માં કલકત્તા હાઈકોર્ટે 2010થી 2012 વચ્ચે ઓબીસી યાદીમાં સામેલ કરાયેલા 77 સમુદાયોનો ઓબીસી દરજ્જો ગેરકાયદેસર ગણાવીને લગભગ 12 લાખ પ્રમાણપત્રો રદ કર્યા હતા.  આ નવા સુધારા રાજ્ય સરકારને આયોગના પરામર્શથી વિવિધ OBC શ્રેણીઓ માટે આરક્ષણની ટકાવારી નક્કી કરવાનો કાનૂની અધિકાર આપે છે. આ નવા કાયદા મુજબ આરક્ષિત પદોની ટકાવારીમાં સમયાંતરે સુધારો કરી શકાશે, પરંતુ અનામતનો કુલ ક્વોટા 50 ટકાથી વધુ નહીં હોય.