Tue Jun 30 2026

Logo

અમરેલીના ત્રણ સિંહબાળના મોત કુદરતી હોવાનું તારણ, શંકાઓ ખોટી હોવાનો દાવો

2026-06-29 17:22:49
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાતના અમરેલી જિલ્લામાં બે દિવસમાં એક વર્ષથી ઓછી ઉંમરના ત્રણ સિંહ બાળના મૃત્યુથી વન્યજીવપ્રેમીઓમાં ચિંતા ફેલાઈ હતી અને વન વિભાગે આ મૃત્યુની તપાસ શરૂ કરી હતી. અમુક અહેવાલો અનુસાર એક સિંહબાળનું મોત શંકાસ્પદ જણાઈ રહ્યું હતું.  જોકે વનવિભાગના જણાવ્યા અનુસાર ત્રણેયના મોત કુદરતી કારણોસર થયા છે અને કંઈ શંકાસ્પદ નથી અને શિકારની શક્યતા પણ નથી. 

દાલખાણીયા રેન્જમાં પાંચથી છ મહિનાની ઉંમરનું પહેલું બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ સિંહબાળનો શિકાર થયો હોવાની કે ઈરાદાપૂર્વક હત્યા કરી હોવાની અટકળો વહેતી થઈ હતી. જોકે, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ગીર પૂર્વ) વિકાસ યાદવે આ અટકળોને ફગાવી દીધી હતી.વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. બચ્ચાનું મૃત્યુ મલ્ટિ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું હોવાની શક્યતા છે. સિંહબાળ અન્ય પુખ્ત સિંહ અથવા જંગલી પ્રાણીથી ડરી ગયો હોવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. 

બીજું બચ્ચું પાનિયા રેન્જમાં મૃત હાલતમાં મળી આવ્યું હતું. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રાણીનું મૃત્યુ એક ઈનફાઈટને કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું. જે સામાન્ય રીતે સિંહોમાં જોવા મળે છે. શુક્રવારે અમરેલી જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગમાં ત્રીજું બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ મરણ પણ કુદરતી હોવાનું વનવિભાગનું કહેવાનું છે. જોકે હજુ પોસ્ટમોર્ટ્મ બાકી છે.