Mon Jun 29 2026

Logo

ભુજની વાયબલ હોસ્પિટલમાં AC બ્લાસ્ટ થતાં ભીષણ આગ: બે મહિલા દર્દીઓનું રેસ્ક્યૂ, જાનહાનિ ટળી

2026-06-29 18:25:47
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ રણપ્રદેશ કચ્છમાં વરસાદને બદલે પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે શોર્ટ સર્કિટ અને આગની દુર્ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ જ કડીમાં સોમવારે સવારે નવ વાગ્યાની આસપાસના સમયમાં ભુજના અત્યંત વ્યસ્ત એવા હોસ્પિટલ રોડ પર આવેલી જાણીતી ‘વાઈબલ હોસ્પિટલ’માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એર કંડિશનરમાં જોરદાર ધડાકા સાથે લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, હોસ્પિટલ સ્ટાફ અને ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી ગઈ છે.

એસીમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા કમ્પ્રેશર બ્લાસ્ટ

​પ્રાપ્ત વિગતો અનુસાર, હોસ્પિટલના એક વોર્ડમાં ચાલુ એસીમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા કમ્પ્રેશર બ્લાસ્ટ થયું હતું, જેના કારણે આસપાસના વાયરિંગ અને ફર્નિચરે તુરંત આગ પકડી લીધી હતી. આગને પગલે આખી હોસ્પિટલમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. અકસ્માત સમયે હોસ્પિટલમાં દાખલ બે મહિલા દર્દીઓ ફસાઈ ગઈ હતી, પરંતુ હોસ્પિટલના તકેદારી સ્ટાફ અને સ્થાનિક યુવાનોએ પોતાની જાન જોખમમાં મૂકીને તાત્કાલિક બંને મહિલા દર્દીઓનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી તેમને અન્યત્ર ખસેડી લીધી હતી.

આગના કારણે હોસ્પિટલને લાખો રૂપિયાનું નુકસાન

ઘટના અંગે જાણ કરાતાં ભુજ નગરપાલિકાનો ફાયર ફાઈટર કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી, ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ટૂંક સમયમાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ માનવ જિંદગી હોમાઈ નથી કે કોઈને ઈજા થઈ નથી. જો કે, આગની તીવ્રતા એટલી વધુ હતી કે હોસ્પિટલના કિંમતી તબીબી સાધનો, દવાઓ, વાયરિંગ અને આંતરિક માળખાને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. આગ લાગવાના ચોક્કસ ટેકનિકલ કારણો જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)