ભુજ: દેશભરમાં એઆઈ આધારિત ટેક્નોલોજી અને આધુનિક વાહનોના વધતા વ્યાપ વચ્ચે લુપ્ત થવાના આરે પહોંચેલી ગધેડાની પ્રજાતિને બચાવવા માટે કેન્દ્ર સરકારે એક અનોખી અને મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. ‘નેશનલ લાઈવસ્ટોક મિશન’ અંતર્ગત હવે ગધેડા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે પશુપાલકોને કુલ પ્રોજેક્ટ ખર્ચ પર ૫૦ ટકા સુધીની મૂડી સહાય એટલે કે મહત્તમ રૂા. ૫૦ લાખ સુધીની સબસિડી આપવામાં આવશે.
પશુગણનાના સત્તાવાર આંકડાઓ દેશ અને ગુજરાતમાં ગધેડાની ઘટતી વસ્તી તરફ આંગળી ચિંધે છે. ભારતમાં વર્ષ ૨૦૧૨માં આશરે ૩ લાખથી વધુ ગધેડા હતા, જે ૨૦૧૯ સુધીમાં ઘટીને માત્ર ૧ લાખ જેટલા જ બચ્યા છે જયારે વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં ૩૮ હજાર ગધેડા નોંધાયા હતા, જે ૨૦૧૯ની ગણતરીમાં ઘટીને આશરે માત્ર ૧૧ હજાર થઈ ગયા છે.
કચ્છ જિલ્લામાં પણ આધુનિક મશીનરી, ટ્રેક્ટર અને ટેમ્પોના આગમનને કારણે માલસામાનની હેરાફેરીમાં ગધેડાનો ઉપયોગ નહિવત થઈ ગયો છે, જેથી તેની સંખ્યા સતત ઘટી રહી છે.
સરકારની આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકો કે ઉછેર કેન્દ્રો માટે નિયમો નક્કી કરાયા છે જેમાં આ યોજના હેઠળ પ્રોજેક્ટના કુલ ખર્ચના ૫૦ ટકા સબસિડી મળવાપાત્ર રહેશે (મહત્તમ મર્યાદા ૫૦ લાખ રૂપિયા). ફાર્મ શરૂ કરવા માટે ન્યૂનતમ એકમ (યુનિટ) તરીકે ૫૦ માદા ગધેડા અને ૫ નર ગધેડા રાખવા ફરજિયાત છે. આ યોજનાથી ગધેડાની જાતિનું સંરક્ષણ થશે અને પશુપાલકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
એક સમય હતો જ્યારે ભુજ તાલુકાના કુકમા, કોટડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગધેડા મજૂર પરિવારોના જીવનનિર્વાહનું મુખ્ય સાધન હતા. બદલાતા સમયમાં હવે તેનો વ્યાપારીક ઉપયોગ તેના દૂધ માટે વધી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વડીલોની જૂની માન્યતા મુજબ, નાના બાળકોમાં લાંબા સમયથી ચાલતી ઉધરસ (કચ્છી ભાષામાં જેને 'ખટિયો' કહેવાય છે) અને શ્વાસ સંબંધિત તકલીફોમાં ગધેડીનું દૂધ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
માલધારીઓના જણાવ્યા મુજબ ગધેડી બચ્ચાને જન્મ આપ્યા બાદ માત્ર ૩ મહિના સુધી જ દૂધ આપે છે અને દિવસ દરમિયાન માત્ર ૫૦ થી ૧૦૦ મિલી જેટલું જ દૂધ મળે છે. ઓછી ઉત્પાદકતાને કારણે આ દૂધ અન્ય પશુઓના દૂધ કરતાં ઘણું મોંઘું વેચાય છે.
સરકારની આ આર્થિક સહાયથી કચ્છ અને ગુજરાતના માલધારીઓ વૈજ્ઞાનિક ઢબે ગધેડા ઉછેર કેન્દ્રો શરૂ કરી શકશે, જેનાથી પ્રજાતિ બચવાની સાથે આયુર્વેદિક અને વ્યાપારીક દ્રષ્ટિએ પણ મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે.
(ઉત્સવ વૈદ્ય)