મુંબઈ: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ મુર્શિદાબાદ જિલ્લામાં એક આશ્રમ અને મંદિરની બહાર બોમ્બ ફેંકવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU) એ પશ્ચિમ બંગાળમાંથી ભાગીને આવેલા બે મુખ્ય આરોપીઓની મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરી લીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
બોરીવલી રેલવે સ્ટેશન પરથી ઝડપાયા આરોપીઓ
આ ઘટના બંગાળમાં ચૂંટણી પુરી થયાના ગણતરીના દિવસો બાદ બની હતી, જે અંગે બહેરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રોકી ખાન (ઉંમર 24 વર્ષ) અને સહાદત સરકાર (ઉંમર 25 વર્ષ) તરીકે થઈ છે. રોકી ખાન વ્યવસાયે ડ્રાઈવર છે અને સહાદત સરકાર મજૂરી કામ કરે છે. આરોપી સહાદત સરકાર મૂળ તો ગ્રામ નતુન પુરાનો રહેવાસી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે. પશ્ચિમ બંગાળ પોલીસને આ આરોપીઓ સોંપવા માટે મુંબઈ પોલીસે કોર્ટ પાસેથી બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા છે અને ટૂંક સમયમાં જ બંગાળ પોલીસની ટીમ તેમને પોતાની સાથે લઈ જશે.
શું હતો સમગ્ર મામલો અને શા માટે ફેંકાયા બોમ્બ?
આ સમગ્ર મામલો મુર્શિદાબાદના માજીહેરપારા વિસ્તારના કરિયાણાની દુકાનના માલિક પશુપતિનાથ સાહાની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ ઘટનાની શરૂઆત વિવાદિત કૃત્યથી થઈ હતી. 12 મેના રોજ અજાણ્યા બદમાશોએ આશ્રમ નજીક આવેલા માં દુર્ગા મંદિરની સામે એક વીજળીના થાંભલા પર લગાવેલા ફોટા ફાડી નાખ્યા હતા. એટલું જ નહીં પરંતુ આશ્રમ નજીકના ખુલ્લા મેદાનમાં સોકેટ બોમ્બ ફેંક્યા હતા. આમાં અલી હુસૈન ઉર્ફે લાડેન, હસન SK અને તેમના સાથીઓનો હાથ હોવાની ફરિયાદ થઈ હતી.
ગીતાંજલિ એક્સપ્રેસ પકડીને મુંબઈ ભાગ્યા હતા આરોપીઓ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આરોપીઓ મોટરસાઇકલ પર કરિયાણાની દુકાને પહોંચ્યા હતા અને વેપારીને ધમકી આપી હતી કે જો આ મામલે પોલીસમાં ફરિયાદ થશે તો ભવિષ્યમાં પણ બોમ્બ હુમલા કરવામાં આવશે. ધમકી આપ્યા બાદ ધરપકડથી બચવા માટે આ બંને આરોપીઓ ગીતાંજલિ એક્સપ્રેસ ટ્રેન પકડીને મુંબઈ ભાગી આવ્યા હતા. જોકે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બાતમીદારો અને ટેકનિકલ ઈન્ટેલિજન્સની મદદથી તેમને બોરીવલી સ્ટેશને જ દબોચી લીધા હતા. આ કેસના મુખ્ય આરોપીઓ અલી હુસૈન ઉર્ફે લાડેન અને હસન એકસે હજુ પણ ફરાર હોવાથી તેમની શોધ શરૂ કરી દેવામાં આવી છે.