લખીમપુર: ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પીલીબીત-બસ્તી રાષ્ટ્રીય રાજમાર્ગ 730 પર આજે સવારે સિસૈયા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં એક વાયુવેગે આવી રહેલ ટ્રક અને મુસાફરોથી ભરેલી ટાટા મેજિક કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. દુઃખની વાત એ છે કે, આ અકસ્માતમાં કુલ 9 લોકોનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે. અત્યારે આ કેસમાં પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સિસૈયા પાસે સર્જાયો આ ગોઝારો અકસ્માત
સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટાટા મેજિક કારના ભૂક્કા થઈ ગયાં હતાં. 9 લોકોના મોત સાથે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને પ્રાથમિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મળતી જાણકારી પ્રમાણે આ ટાટા મેજિક કારમાં 12 લોકો સવાર હતા. જેઓ લખીમપુરથી ઈસાનગર તરફ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન સામેથી વાયુવેગે આવી રહેત ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના કારણે લોકોએ રાડો પાડી એટલે આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
તબીબોએ 9 લોકોને મૃત જાહેર કર્યાં
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિકોએ મદદ કરી હતી. સ્થાનિકોએ ટાટા મેજિક કારમાં ફસાયેલા ઘાયલો અને મૃતદેહોને બહાર કાઢ્યાં હતાં. આ તમામ લોકોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જેમાં તબીબોએ 9 લોકોને મૃત જાહેર કર્યાં હતાં. જ્યારે અન્ય ઘાયલ દર્દીઓની હાલત વધારે ગંભીર હોવાથી તેમને જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો
અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામ થયો અને વાહનવ્યહાર ખોરવાઈ ગયો હતો. જેથી પોલીસે ક્રેનની મદદથી અકસ્માત સર્જેલા વાહનોને હાઈવે પરથી દૂર કર્યાં અને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. આ અકસ્માત અંગે વિગતો આપતા એસપી ડૉ. ખ્યાતિ ગર્ગે જણાવ્યું હતું કે, અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ચાર અન્ય ઘાયલ થયા છે. હાલમાં તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. પોલીસ મૃતકોની ઓળખ કરવામાં અને અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.