Tue Aug 25 2026

Logo

રાજસ્થાન ટુરિઝમના ચેરમેનની લાલચમાં ગાંધીનગરમાં ખેલાયો ખૂની ખેલ! પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો

2026-06-30 22:13:06
Author: Devayat Khatana
રાજસ્થાન ટુરિઝમના ચેરમેનની લાલચમાં ગાંધીનગરમાં ખેલાયો ખૂની ખેલ! પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો

ગાંધીનગર: ગુજરાતમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓએ ખૂબ જ ચર્ચા જગાવી છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં બનેલા એક બનાવે સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવી છે. ગાંધીનગરના કુડાસણમાં આવેલા એક જીમ નજીક ગઇકાલે રાત્રે પૈસાની પડાવી લેવાયા હોવાના આક્ષેપ સાથે તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો હતો. જેમાં બે વ્યક્તિઓને હથિયારો વડે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેનાથી રાજ્યના પૂર્વ ઇન્ચાર્જ પોલીસ વડાના આદેશનો ઉલાળિયો કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા જાગી છે. 

મળતી વિગતો અનુસાર, સોમવારની મોડી રાતે પાટનગર ગાંધીનગરના કુડાસણમાં એક ખતરનાક ખેલ ખેલાયો હતો. આ બનાવના મૂળ રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશન ચેરમેન બનાવવાની લાલચ આપીને પૈસા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો ખાર રાખીને અગાઉ કોબા સર્કલ નજીક પણ ઝઘડો થયો હતો. જો કે બાદમાં સોમવાર રાતે અમુક લોકોએ કુડાસણ નજીક તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં અમુક અસામાજિક તત્વો તીક્ષ્ણ હથિયારો સાથે અને કારને નુકસાન પહોંચાડતા નજરે ચડે છે. 

આ બનાવ બાદ અમદાવાદના રહેવાસી ઉત્સવ પટેલે આ અંગે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ ચકચારી કેસના આરોપીઓને ઝડપીને તેનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

આ બનાવ બાદ રાજ્યના પાટનગરમાં જ લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા હતાં. કોંગ્રેસ સરકાર અને પોલીસની વ્યવસ્થા પર આક્ષેપ કર્તા કહ્યું હતું કે રાજ્યમાં કથળેલી કાયદો-વ્યવસ્થાને કારણે રાજ્યના નાગરિકો અસુરક્ષિત છે. જો કે ઘટનાના બીજા જ દિવસે તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતાં.