Sun Sep 13 2026

Logo

ફિફા વર્લ્ડ કપની બહાર થવા બદલ જાપાનની ટીમે ચાહકોની માફી માગી

Houston (Texas)   2026-06-30 22:33:03
Author: Ajay Motiwala
ફિફા વર્લ્ડ કપની બહાર થવા બદલ જાપાનની ટીમે ચાહકોની માફી માગી

AP


હ્યુસ્ટનઃ અહીં સોમવારે ફિફા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન બ્રાઝિલ (Brazil)ને જોરદાર ટક્કર આપવા છતાં હારી ગયેલી જાપાન (Japan)ની ટીમે પરાજિત થયા પછી પોતાના દેશના તેમ જ પોતાની તરફેણ કરનાર પ્રેક્ષકો સામે ઝૂકીને માફી માગી હતી. સુપરસ્ટાર ખેલાડી નેમાર આ મૅચમાં ન રમ્યો છતાં જાપાન હારી ગયું હતું.

ફર્સ્ટ હાફમાં કૈશુ સાનોએ ગોલ કરીને જાપાનને 1-0થી સરસાઈ અપાવી હતી. જાપાનનું ડિફેન્સ અભૂતપૂર્વ હતું અને એના ડિફેન્ડરોએ વિનિસિયસ જુનિયર અને કુન્હા સહિત બ્રાઝિલના અટૅકર્સને સતત કાબૂમાં રાખ્યા હતા, પરંતુ 56મી મિનિટમાં કૅસમિરોએ ઓચિંતી તક મળતાં હેડરથી ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો.

ત્યાર પછી મુખ્ય મૅચની 90 મિનિટ બાદ અંતિમ પળોમાં ગૅબ્રિયલ માર્ટિનેલીએ ગોલ કરીને બ્રાઝિલને જિતાડી દીધું હતું. ગૅબ્રિયલના આ વિનિંગ ગોલથી જાપાનના ખેલાડીઓ અને કોચ એટલા બધા સ્તબ્ધ હતા કે તેમને એ સ્થિતિમાંથી બહાર આવતાં ઘણી વાર લાગી હતી. કેટલાક ખેલાડી રડી પડ્યા હતા. તેમણે સ્ટેડિયમ તરફ ઊભા રહીને ચાહકોની આ પરાજય બદલ માફી માગી હતી. પહેલાં કોચ હાજિમે મોરિયાસુ ફૅન્સ તરફ નમ્યા હતા અને પછી ખેલાડીઓએ પણ તેમને ફૉલો કર્યા હતા. જોકે ચાહકોએ તેમના પર્ફોર્મન્સને ખૂબ બિરદાવ્યો હતો.

જાપાન અગાઉ કેટલીક વખત વર્લ્ડ કપમાં રમી ચૂક્યું છે, પણ નૉકઆઉટમાં જીતવાનો આ વખતે એને બહુ સારો મોકો હતો. જોકે બ્રાઝિલે છેવટે એના હાથમાંથી બાજી છીનવી લીધી હતી. બ્રાઝિલે ગયા વર્ષે ફ્રેન્ડલી મૅચમાં જાપાનના હાથે જે પરાજય થયો હતો એનો વર્લ્ડ કપમાં બદલો લીધો.