અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના દાનની ચોરીના વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ બેઠક 11 જૂલાઈના રોજ યોજાવાની હતી પરંતુ હવે તે છ જુલાઈના રોજ મળશે. એવું માનવામાં આવે છે કે આ મહત્વપૂર્ણ બેઠકમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવશે. ટ્રસ્ટના તમામ 14 સભ્યોને 6 જુલાઈની બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ છે જે મંદિર નગરીના 87 વર્ષીય સંત છે.
ક્યા મુદ્દા પર થશે ચર્ચા?
ટ્રસ્ટ એ અંગે પણ નિર્ણય લઈ શકે છે કે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે દૈનિક કામગીરી અને ઉચ્ચ સ્તરે દેખરેખ માટેની રીતોમાં ફેરફારની જરૂર છે કે નહીં. ટ્રસ્ટમાં વધુ લોકોને સામેલ કરવા અંગેનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે. આ નિર્ણય છેલ્લા વર્ષે ઓગસ્ટમાં ટ્રસ્ટ સભ્ય રાજા અયોધ્યા (બિમલેન્દ્ર મોહન મિશ્રા) ના નિધન બાદ તેમના સ્થાને કોઈને સમાવવા અંગે હોઈ શકે છે. ટ્રસ્ટના સભ્યો પાસેથી એ પણ આશા છે કે તેઓ ભીડને નિયંત્રણ કરવા માટેની હાલની વ્યવસ્થા પર ચર્ચા કરશે અને આવનારા લોકોના અનુભવને સુધારવા માટે યોગ્ય વ્યૂહરચના બનાવશે. ટ્રસ્ટના એક સભ્યએ કહ્યું હતું કે "આપણે ભક્તોને ભારે ગરમીથી બચાવવા માટે વધુ સુવિધાઓ ઉમેરવાની જરૂર છે.
રાજીનામાને લઈને થશે ચર્ચા
ઉનાળો વધુ કઠોર બની રહ્યો છે અને આપણે નિષ્ણાતોને બોર્ડ પર લાવીને આયોજન કરવું પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીના કહેવાથી "ઇમરજન્સી મીટિંગ" બોલાવવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યોને લખેલા તેમના સૂચના પત્રમાં ગિરીએ જણાવ્યું હતું કે મિટિંગની તારીખ અગાઉ નક્કી કરવામાં આવી છે કારણ કે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની હતી. મે 2020માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન દ્વારા આવકવેરા વિભાગમાં નોંધાયેલા ટ્રસ્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા ચાર હોદ્દેદાર સભ્યો છે. છેલ્લી બેઠક 21 માર્ચે થઈ હતી જેમાં મુખ્ય એજન્ડા રામ નવમી ઉજવણીની તૈયારી હતી. આ મિટિંગ દર ત્રણ મહિને યોજાય છે. 27 જૂનના રોજ ગિરીએ પુષ્ટી કરી હતી કે રાય અને મિશ્રા બંનેએ રાજીનામું આપી દીધું છે.