Tue Jun 30 2026

Logo

ગુજરાતના 62 તાલુકામાં ધમાકેદાર વરસાદ: સુરત બાદ નવસારી જળબંબાકાર, સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર

2026-06-30 20:42:39
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: ગુજરાતમાં ખૂબ જ લાંબી રાહ જોયા બાદ હવે વરસાદની શરૂઆત થઈ છે, જો કે અમુક સ્થળોએ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ગઈકાલે મોડી રાતથી લઈ સવારના સુરતમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યારે સાંજના નવસારી સહિત સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની સાથે જનતાને ગરમીમાંથી મુક્તિ મળી હતી.

બપોરથી લઈને રાત સુધીમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને અમરેલીના સાવરકુંડલામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ગઇ હતી. જો કે મોટા ભાગના સ્થળોએ ધીમી ધારે વરસાદ પડ્યો હતો, જ્યારે નવસારીમાં 4 ઈંચ જેટલા વરસાદથી નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હતા. જોકે, બીજી તરફ સાવર કુંડલા પંથકમાં પડેલા વરસાદને કારણે શહેરની નાવલી નદીમાં પૂર આવ્યું હતું. 

રાજ્યના 62 તાલુકામાં પડ્યો વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 62 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ખાસ્સી જમાવટ કરી છે, જેમાં નવસારી તાલુકામાં સૌથી વધુ 3.7 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 3.11 ઇંચ, વલસાડના ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં 2.4 ઇંચ જ્યારે સુરતના જ કામરેજ તાલુકામાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે. 

દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો નવસારીના જલાલપોરમાં 2.05 ઇંચ અને વલસાડના નાનાપોંઢામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લાના વસો તાલુકામાં સાંજના 4થી 6 વાગ્યાના માત્ર બે કલાકના સમયગાળામાં જ 1.85  ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય સુરતના પલસાણામાં 47 મીમી, ડાંગના વઘઇમાં 41 મીમી અને ગીર સોમનાથના ઉનામાં 34 મીમી વરસાદ પડ્યો છે. એકંદરે જોતાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.    

મધ્યથી ઉત્તર ગુજરાતમાં મેઘસવારી પહોંચશે

આ દરમિયાન હવામાન વિભાગે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, મોરબી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી છે. 

જો કે  સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે  છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે, જ્યારે અમુક જિલ્લામાં 40-50થી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.