અમદાવાદ/ભુજ: ગુજરાતનો કચ્છ જિલ્લો એ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. ત્યારે દેશની સીમા સુરક્ષા અને સરકારી જમીનોને દબાણ મુક્ત બનાવવાના હેતુથી કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મેગા બુલડોઝર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
કંડલા દીનદયાળ પોર્ટ ઓથોરિટી, વન વિભાગ અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે ભારત-પાકિસ્તાન સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ દોઢેક વર્ષથી ચાલતા અભિયાનને વેગ આપીને રાપર અને બાલાસર જેવા સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ધાર્મિક બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.
આ કાર્યવાહી અંતર્ગત કંડલા પોર્ટ વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત ૨૮ જૂનના રોજ ઇફ્કો (IFFCO) કોમ્પ્લેક્સના ગેટ બહાર ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદ અને અન્ય ગેરકાયદે દરગાહને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ધ્વસ્ત કરી દેવાઈ હતી. લાંબા સમયથી જૂના વકફ એક્ટનો આશરો લઈને બચતી આવેલી આ મસ્જિદ પર આખરે કાયદાકીય કોરડો વીંઝાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
કંડલા પોર્ટની આસપાસની અંદાજે 100 વીઘા જમીન પરથી દબાણો હટાવીને અંદાજે રૂ. 250 કરોડની સરકારી મિલકત જપ્ત કરવામાં આવી છે. ભવિષ્યમાં આ જમીનનો કોસ્ટલ સિક્યુરિટી અને વિકાસ કાર્યો માટે ઉપયોગ કરવામાં આવી શકે છે.
બીજી તરફ, વન વિભાગે પણ આરક્ષિત જંગલની ભૂમિને બચાવવા માટે નખત્રાણા અને દયાપર રેન્જમાં સપાટો બોલાવ્યો હતો. અંદાજે 20 જેસીબી અને 15 ટ્રેક્ટરોની મદદથી 400 હેક્ટરથી વધુ આરક્ષિત જગલની જમીન પર ચાલી રહેલી ગેરકાયદે ખેતી અને કબ્જાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આડેસર વિસ્તારમાં ભૂ-માફિયાઓના ચંગુલમાંથી આશરે 10 હજાર ચોરસ મીટર સરકારી જમીન છોડાવવામાં આવી છે, જ્યાં હવે નવું પોલીસ સ્ટેશન બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
સરહદી અને ગ્રામ્ય વિસ્તારોની સાથોસાથ શહેરી માળખાને સુધારવા માટે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કડક પગલાં લેવાયા છે. શહેરના સૌંદર્યીકરણ અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે લોખંડી પોલીસ સુરક્ષા વચ્ચે 130થી વધુ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સાથે લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આગામી દિવસોમાં પણ ગેરકાયદે દબાણો સામે આવી જ ઝુંબેશ ચાલુ રહેશે.