Thu Oct 01 2026

Logo

પહેલી ઓક્ટોબરથી તમારા ખિસ્સા પર થશે સીધી અસર, અત્યારે જ જાણી લો નહીંતર...

2026-09-29 14:27:00
Author: Darshana Visaria
પહેલી ઓક્ટોબરથી તમારા ખિસ્સા પર થશે સીધી અસર, અત્યારે જ જાણી લો નહીંતર...

Ai Image


મુંબઈઃ દર મહિનાની પહેલી તારીખથી કેટલાક મહત્ત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને આ ફેરફારોની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર જોવા મળે છે. ટૂંક સમયમાં જ ઓક્ટોબર મહિનાની શરૂઆત થશે અને આ સાથે જ તહેવારોની મૌસમ વચ્ચે સામાન્ય નાગરિકોના ખિસ્સા અને દૈનિક નાણાંકીય વ્યવહારો પર સીધી અસર કરતાં અનેક મહત્વના નિયમો બદલાવા જઈ રહ્યા છે. બેંકિંગ સેવાઓ, એટીએમ ટ્રાન્ઝેક્શન, એલપીજી ગેસ સબસિડી, નાની બચત યોજનાઓ તેમજ ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ ક્ષેત્રે લાગુ થનારા આ મોટા ફેરફારો દરેક ગ્રાહક અને કરદાતા માટે જાણી લેવા અત્યંત જરૂરી છે. 

ગેસ સિલિન્ડર સબસિડી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત:
સબસિડીવાળા ઘરેલુ એલપીજી (LPG) સિલિન્ડર મેળવવા માટે એક ઓક્ટોબરથી બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરવું ફરજિયાત બનશે. ગ્રાહકો આ બાયોમેટ્રિક પ્રમાણીકરણ ગેસ એજન્સી પર રૂબરૂ જઈને, સિલિન્ડર ડિલિવરી સમયે ડિલિવરી બોય પાસે અથવા સંબંધિત ઓઈલ કંપનીની સત્તાવાર મોબાઈલ એપ મારફતે પૂર્ણ કરી શકશે.

એસબીઆઈ સેલેરી પેકેજ ગ્રાહકો માટે એટીએમ નિયમો કડક:
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના કેટલાક સેલેરી પેકેજ ખાતાધારકો માટે અન્ય બેંકોના એટીએમમાંથી મળતી ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા દર મહિને 10થી ઘટાડીને માત્ર પાંચ કરી દેવામાં આવી છે. મર્યાદા પૂરી થયા બાદ નાણાકીય વ્યવહાર પર રૂપિયા 23 + જીએસટી અને બિન-નાણાકીય વ્યવહાર (જેમ કે બેલેન્સ ચેક) પર રૂપિયા 11 + GST ચાર્જ વસૂલવામાં આવશે.

એસબીઆઈ બીએસબીડી ખાતામાંથી કેશ વિડ્રોઅલ પર નવો ચાર્જ:
બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાધારકો મહિનામાં ફક્ત પ્રથમ ચાર વખત જ મફત રોકડ ઉપાડી શકશે. ફોર ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ દરેક રોકડ ઉપાડ પર રૂપિયા 15 + GST ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમમાં આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS) દ્વારા કરાતા રોકડ ઉપાડનો પણ સમાવેશ થાય છે. જોકે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં.

બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના સુધારેલા નિયમો:
રૂપિયા ત્રણ કરોડ કે તેથી વધુની ફિક્સ્ડ એફડી (Bulk FD) માટે રિઝર્વ બેંકના નવા નિયમો અમલમાં આવ્યા છે. બેંકોને તેમની તરલતા (Liquidity)ની જરૂરિયાતો મુજબ બલ્ક એફડી પર પારદર્શક અને સુગમ વ્યાજ દરો ઓફર કરવાની છૂટ મળશે.

આરબીઆઈ એમપીસી બેઠક અને રેપો રેટ પર મહત્વનો ફેંસલો:
ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની સમીક્ષા બેઠક યોજાવા જઈ રહી છે. હાલમાં રેપો રેટ 5.25 ટકાના સ્તરે છે; જો વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થશે તો હોમ લોન, કાર લોનની ઈએમઆઈ અને ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર તેની સીધી અસર થશે.

નાની બચત યોજનાઓના વ્યાજદરોની ત્રિમાસિક સમીક્ષા:
કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (એસસીએસએસ) અને એનએસસી જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરોની સમીક્ષા કરી નવા દરો જાહેર કરવામાં આવશે.

ટેક્સ ઓડિટ કરદાતાઓ માટે ITR ફાઇલિંગની અંતિમ તારીખ:
જે ટેક્સપેયર્સ, બિઝનેસમેન્સ કે કંપનીઓ ટેક્સ ઓડિટના દાયરામાં આવે છે, તેમના માટે નાણાકીય વર્ષ 2025-2026નું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ 31મી ઓક્ટોબર, 2026 નિર્ધારિત કરવામાં આવી છે.

કાર, બાઇક અને હોમ એપ્લાયન્સિસ મોંઘા થશે:
સ્ટીલ, કોપર અને કાચા માલના ભાવ વધારાને લીધે મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ જેવી ઓટો કંપનીઓએ વાહનોના ભાવ વધાર્યા છે. આ ઉપરાંત ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને એસી જેવા હોમ એપ્લાયન્સિસના ભાવમાં પણ તહેવારો દરમિયાન ત્રણ ટકાથી આઠ ટકા સુધીનો સંભવિત વધારો જોવા મળી શકે છે.