રાજકોટઃ અમદાવાદ બાદ રાજકોટમાં પણ ક્રેન ચાલકે એક નાગરિકને કચડી નાખ્યો હતો. રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખોડીયાર હોટલ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ક્રેનના ચાલકે બેદરકારીપૂર્વક ક્રેન હંકારી 39 વર્ષીય આમદભાઈ શેખને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, આમદભાઈ શેખ ખોડીયાર હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ભગવતી ક્રેનના ચાલકે તેમને આગળથી ટક્કર મારી હતી. ક્રેનની ટક્કરથી આમદભાઈ શેખ રોડ પર પટકાયા હતા. આ દરમિયાન ક્રેન ચાલકે ક્રેનને રિવર્સ લેતા આમદભાઈ શેખ તેની નીચે આવી ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત આમદભાઈને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે, ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં 39 વર્ષીય આમદભાઈ શેખનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારજનો દ્વારા ક્રેન ચાલક સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી હતી. તેમજ જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ક્રેન ચાલકની ભૂમિકા, અકસ્માત કેવી રીતે સર્જાયો અને ટક્કર બાદ ક્રેન રિવર્સ કેમ લેવામાં આવી સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. પરિવારજનોની માંગ અને પોલીસની કાર્યવાહી બાદ સમગ્ર મામલે આગળની સ્થિતિ સ્પષ્ટ થશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અઠવાડિયા પહેલા રોડ પર ચાલતી જતી વિદ્યાર્થિનીને ક્રેને પાછળથી આવીને ચગદીને મારી નાંખી હતી. સિલ્વર ઑક કૉલેજમાં ભણતી 19 વર્ષીય યુવતીનું કૉલેજ બહાર જ ક્રેનની અડફેટે મોત નિપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા.