Tue Jun 30 2026

Logo

ગોંડલના સાજડીયાળીમાં PGVCL ની ઘોર બેદરકારી: વીજ કરંટ લાગવાથી 40 ઘેટાંના કરૂણ મોત

2026-06-30 21:43:19
Author: Devayat Khatana
Article Image

ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા સાજડીયાળી ગામે વીજતંત્ર (PGVCL) ની એક ગંભીર અને જીવલેણ બેદરકારી પ્રકાશમાં આવી છે. ગામની સીમમાં ખુલ્લા પડેલા અર્થિંગ વાયર અને પ્લેટમાંથી વીજ કરંટ લાગવાને કારણે 40 જેટલા ઘેટાંના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. આ આઘાતજનક ઘટનાને પગલે સ્થાનિક પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની છે અને તેમને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, જેનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાજડીયાળી ગામના પશુપાલકો દરરોજની જેમ સવારના સમયે પોતાના ઘેટાંના ટોળાને ખેતરમાં ચરાવવા માટે લઈ ગયા હતા. આ સમયે ખેતરની દીવાલ પાસે આવેલા PGVCL ના ટ્રાન્સફોર્મર નજીક અર્થિંગ વાયર અને પ્લેટ ખુલ્લી હાલતમાં હતા. ઘેટાં ચરતા-ચરતા આ જોખમી જગ્યા પાસે પહોંચ્યા ત્યારે અચાનક વીજ પ્રવાહ લીક થતાં એક પછી એક ઘેટાં તેની ચપેટમાં આવી ગયા હતા. આંખના પલકારામાં જ 40 ઘેટાં ટપોટપ મોતને ભેટતા આખો વિસ્તાર હચમચી ઉઠ્યો હતો.

આ ગોઝારી ઘટના પાછળ તંત્રની ઘોર બેદરકારી હોવાનો પશુપાલકોએ આક્ષેપ કર્યો છે. પશુપાલક મેપાભાઈ ગોવાભાઈ ભરવાડ અને લાલાભાઈ વિભાભાઈના જણાવ્યા અનુસાર, તેઓએ છેલ્લા બે વર્ષથી PGVCL ને લેખિત અને મૌખિક રૂપે વારંવાર રજૂઆતો કરી હતી કે આ ખુલ્લો અર્થિંગ વાયર અત્યંત જોખમી છે. છતાં પણ વીજ કંપનીના અધિકારીઓએ આ રજૂઆતો પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા, જેના પરિણામ સ્વરૂપ આજે આ નિર્દોષ પશુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ દુર્ઘટનામાં 40 ઘેટાંના મોત થવાથી ગરીબ પશુપાલકોને અંદાજે પાંચ લાખ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે અને તેમના ગુજરાન પર મોટું સંકટ આવી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જવાબદાર વીજતંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. હવે PGVCL અને GETCO ના અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવશે ત્યારબાદ જ નક્કી થશે કે આ ગંભીર બેદરકારી કોની છે. હાલમાં પીડિત પશુપાલકો તંત્ર પાસે સત્વરે યોગ્ય ન્યાય અને વળતરની માંગ કરી રહ્યા છે.