(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સોમવારથી ફરી શરૂ થયેલા વરસાદે એક વિદ્યાર્થીનો જીવ લીધો છે. પૂર્વ ઉપનગરના ચેમ્બુરમાં ગાર્ડન નજીક મંગળવારે બપોરના પીપળાનું વિશાળ ઝાડ સ્કૂલ બસ પર તૂટી પડતા ૧૩ વિદ્યાર્થીઓે બસની અંદર ફસાઈ ગયા હતા, આમાંના એક ૧૧ વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું અને ઓછામાં ઓછા ચાર વિદ્યાર્થીઓ જખમી થયા હતા. આ દુર્ઘટના સાથે જ ચાલુ વર્ષમાં ચોમાસામાં ઝાડ તૂટી પડવાને કારણે પહેલું મૃત્યુ નોંધાયું છે.
આ ઘટના મંગળવારે બપોરે ૨.૫૦ વાગ્યે ચેમ્બુરમાં હેરિટેજ પ્રાઇડ નજીક રોડ નંબર ૧૧ પર સેન્ટ એન્થની હાઈસ્કૂલ પરિસરમાં બની હતી. પરિસરમાનું જૂનું વિશાળ પીપળાનું વૃક્ષ મૂળસોતું ઉખડીને યુનિવર્સલ હાઇ સ્કૂલની બસ પર તૂટી પડતા સ્કૂલના ૧૩ વિદ્યાર્થીઓ વાહનમાં અંદર ફસાઈ ગયાં હતાં.ટિળક નગર પરિસરમાં આવેલી યુનિવર્સસ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને આ બસ પરિસરમાં જ રહેતા વિદ્યાર્થીઓને ઘર મૂકવા જઈ રહી હતી. બસમાં રહેલા તમામ વિદ્યાર્થીઓ પાંચથી ૧૧ વર્ષની વયના હતા.
ઝાડ તૂટી પડવા બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. એ દરમ્યાન બસના ડ્રાઈવર અને સ્થાનિક લોકોએ બસની અંદર ફસાયેલા બાળકોને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આ દરમ્યાન મુંબઈ ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.સ્કૂલ બસમાં રહેલા ૧૩ વિદ્યાર્થીઓમાંથી ચારને નાની-મોટી ઈજાઓ થઈ હતી જ્યારે પાછળની બાજુએ બેસેલો ૧૧ વર્ષનો એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું પછીથી મૃત્યુ થયું હતું. ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ બે દિવસથી સતત પડી રહેલા વરસાદ અને પવન ફૂંકાવાને કારણે આ ઝાડ તૂટીને સ્કૂલ બસ પર જોશભેર પડતાં બસ આખી દબાઈ ગઈ હતી. બસની અંદર ફસાઈ ગયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મુશ્કેલી થઈ હતી.
આગળ બેઠેલાં બાળકોને સરળતાથી બહાર કાઢવામાં આવ્યાં હતાં પણ પાછળ બેઠેલાં વિદ્યાર્થીને ભારે જહેમત બાદ અડધા કલાકે બહાર કાઢવામાં આવ્યો હતો. જખમી વિદ્યાર્થીઓને સારવાર માટે તરત નજીક આવેલી ચેમ્બુરની ઝેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફરજ પરના હાજર રહેલા ડૉકટરે ગંભીર રીતે જખમી થયેલા વિદ્યાર્થી વિહાન શ્રીવાસ્તવને સાંજે ૪.૨૩ વાગ્યે મૃત જાહેર કર્યો હતો. એક બાળકને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. એક પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે અને અન્ય બાળક સ્થિર હોવાનું ડૉકટરે કહ્યું હતું.
સ્કૂલ બસ ઓનર્સ અસોસિયેશનના અધ્યક્ષ અનિલ ગર્ગે આ દુર્ઘટનાને કુદરતની કમનસીબી ઘટના ગણીને તેને અવગણી શકાય નહીં એવું બોલતા કહ્યું હતું કે નાગરિકોની સુરક્ષાને લઈને પાલિકા પ્રશાસન અને સંબંધિત અધિકારીઓની જવાબદારી સામે ગંભીર પ્રશ્રો ઉભો કરે છે.આ પૂરી ઘટના બાદ મેયરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સંબંધિત રસ્તા પરના ઝાડનું ચોમાસા પહેલા ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું એવી માહિતી સ્થાનિક પાલિકા અધિકારીએ આપી હતી. જોકે તાજેતરમાં અહીં રસ્તાનું સિમેન્ટ-કૉંક્રીટીકરણનું કામ થયું હતું ત્યારે સ્થાનિક નાગરિકોની અમુક ફરિયાદો આવી હતી તેની તપાસ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. આ પ્રકરણમાં બેદરકારી દાખવનારા સંબંધિતો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે એવી સ્પષ્ટતા મેયરે કરી હતી.