Wed Jul 01 2026

Logo

મુંબઈ, થાણેમાં બુધવારે ઓરેન્જ એલર્ટ: ભારે વરસાદની આગાહી

2026-06-30 22:37:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં જૂન મહિનામાં સરેરાશ માંડ ૧૬ ટકા વરસાદ પડયા બાદ વરસાદની ખાધ જુલાઈ મહિનામાં પૂરી થાય એવી શકયતા છે. સોમવારથી મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. મંગળવારે દિવસ દરમ્યાન મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિતના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગે મંગળવારથી ચાર જુલાઈ સુધી મંબઈ, થાણે, પાલઘર અને રાયગડ માટે ઓરેન્જ અલર્ટ આપીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં રાયગડમાં ગુરુવાર માટે રેડ અલર્ટની ચેતવણી આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગે મંગળવારે શહેર અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી હતી, તે મુજબ શહેરમાં ભારે વરસાદ અને વાદળછાયું આકાશ રહ્યું હતું. મંગળવાર માટે યલો અલર્ટ આપ્યું હતું પણ બાદમાં તેને ઓરેન્જ અલર્ટમાં અપડેટ કરવામાં આવ્યું હતું. દિવસભર મુંબઈમાં મધ્યમ સ્વરૂપનો વરસાદ ચાલુ જ રહ્યો હતો. મુંબઈમાં સોમવાર સવારના આઠ વાગ્યાથી મંગળવાર સવારના આઠ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન મધ્યમ વરસાદ પડ્યો હતો, જેમાં કોલાબામાં ૩૧.૮ મીમી અને સાંતાક્રુઝમાં ૨૭.૮ મીમી વરસાદ નોંધાયો હતો.

દિવસ દરમ્યાન મુંબઈના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સવારના આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીમાં શહેરમાં 
૪૧.૦૩ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૫૩.૨૭ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૫૪.૦૬ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. દિવસ દરમ્યાન ઝાડ તૂટી પડવાના અને ઘરની દીવાલ તૂટી પડવાના બનાવ પણ નોંધાયા હતા.

હવામાન વિભાગે બુધવાર માટે ઓરેન્જ અલર્ટ આપ્યું હોઈ ભારે વરસાદની શકયતા છે. આ દરમ્યાન  બુધવારે બપોરના ૧.૧૦ વાગે દરિયામાં ભરતી હશે એ સમયે મોજાં ૪.૨૨ મીટરથી ઊંચા ઊછળશે. એ સમયે જો ભારે વરસાદ પડયો તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે.