ટૂંકું ને ટચ - કિરણ ભાસ્કર
ઘરને ડિઝાઈન કરવું અને એને સુશોભિત રાખવું સૌને ગમે છે. જોકે એના માટે ઘરમાં કેટલી જગ્યા છે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાં દરેક વસ્તુ સારી રીતે ગોઠવેલી હોય તો એ આકર્ષિત લાગે છે. નાના ઘરમાં ભારી ફર્નિચર રાખવાથી એ બેઢંગુ તો લાગે છે પરંતુ સાથે જ એ જગ્યા પણ વધુ રોકે છે. એથી જ્યારે પણ ઘરનું ફર્નિચર ખરીદવાના હોવ તો ઘરમાં કેટલી સ્પેસ છે એના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કયા ભાગમાં શું રાખવું એની આગોતરી પ્લાનિંગ કરી રાખવી જોઈએ. વસ્તુની ઉપયોગિતા અને જરૂરિયાત પ્રમાણે જ એને ખરીદવું જોઈએ.
સ્પેસ પ્રમાણે ફર્નિચર: ફર્નિચર ખરીદતી વખતે આપણે હંમેશાં એવા સામાન તરફ આકર્ષિત થઈએ છીએ જે દેખાવમાં ભારે, ભવ્ય અને કીમતી પણ હોય છે. સાથે જ આપણે એ વાત પણ ભૂલી જઈએ છીએ કે બહુમાળી ઈમારતોમાં આવા ફર્નિચર લિફ્ટથી લઈ જવામાં સરળતા પડશે કે નહીં. જો લિફ્ટથી ન લઈ જઈ શક્યા તો એને આપણાં ઘરની અંદર કઈ રીતે પહોંચાડશું. આ સિવાય જો ઘર ટૉપ ફ્લોર પર હોય તો સીડીઓથી એને કઈ રીતે લઈ જશો. સાથે જ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે ઘરનો દરવાજો કેટલો પહોળો છે. શું સામાન સહેલાઈથી અંદર આવી શકશે?
સાથે જ જો ઘરમાં પેટ્સ હોય તો લેધર કે પછી નરમ મટિરિયલવાળા ફર્નિચર ખરીદવા યોગ્ય રહેશે? કેમ કે પેટ્સ તો મટિરિયલને ચાવીને ખરાબ કરી દેશે.
ઘરની દીવાલ અને ફર્નિચરનું માપ લેવું ખૂબ જરૂરી છે. ફર્નિચરની સ્ટાઇલ કે ડિઝાઇનને બદલે એ તમારા માટે કમ્ફર્ટેબલ છે કે નહીં એ જાણવું અગત્યનું છે. સોફા અને ખુરશીઓ પણ એવી પસંદ કરવી જેની સંભાળ સહેલાઈથી કરી શકાય.
ક્વોલિટી જરૂરી: ફર્નિચર ખરીદવા માટે હંમેશાં એવા સ્ટોરથી ખરીદવા જે ટકાઉ અને ગુણવત્તાવાળા હોય. સાથે જ ફર્નિચર ઘર સુધી કેવી રીતે ડિલિવર કરવામાં આવશે એ વિશે પણ અગાઉથી ચર્ચા કરી લેવી જોઈએ. જો તમે ફર્નિચર ઓનલાઈન ખરીદો છો તો એના રિવ્યૂ અને રેટિંગ અચુક તપાસી લેવા જોઈએ. ફર્નિચર ઓનલાઈન ખરીદ્યા બાદ એ જ્યારે ઘરે આવે છે ત્યારે જ એની ફિનિશિંગ અને ક્વોલિટીની જાણ થાય છે. સ્ટોર પર જાતે જઈને ફર્નિચર ખરીદવાથી એની ગુણવત્તાનો ખ્યાલ આવે છે.
જો તમે ફર્નિચર બનાવવાનો ઓર્ડર આપો છો તો એના મટિરિયલની જાતે પસંદગી કરવી જોઈએ. સાથે જ અન્ય લોકો સાથે પણ ફર્નિચર વિશે ચર્ચા-વિચારણા કરવી જોઈએ. ઘરની સાઈઝ કરતાં મોટા ફર્નિચર માથાનો દુ:ખાવો બની જાય છે. એનાથી ના તો આરામ મળે છે ના તો એ આપણી લાઇફસ્ટાઇલને અનુરૂપ હોય છે.
એથી ફર્નિચર એવા ખરીદવા જે ઘરની શોભા વધારવાની સાથે જ આપણને આરામ આપે. આપણી લાઇફસ્ટાઇલ સાથે અનુકૂળ હોય.
એથી આ નાની-નાની બાબતો ઘરને સંવારવા માટે ખૂબ કામ આવી શકે છે.